વોર્ડ-21માં ભાજપમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા:કોંગ્રેસે યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યા, ભાજપ યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ફોર્મ ભરી બળવો પોકાર્યો

Gujarat4/11/2026, 12:30:09 PM
વોર્ડ-21માં ભાજપમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા:કોંગ્રેસે યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યા, ભાજપ યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ફોર્મ ભરી બળવો પોકાર્યો
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને સીધા હાથોહાથ મેન્ડેટ આપી ભાજપને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી છે. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી બળવો કર્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર 'મૂળ સુરતી'ઓને અન્યાય થયાના આક્ષેપો સાથે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યા સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસે મોટું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. માત્ર 30% ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કર્યા બાદ, બાકીના 70% ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. આ રણનીતિને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, "અમે ભાજપની સત્તા અને નાણાંની તાકાત સામે બુદ્ધિથી લડી રહ્યા છીએ. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ ગુપ્ત રાખીને અમે વિરોધીઓને હંફાવ્યા છે." વોર્ડ-21માં ભાજપનો મોટો યુ-ટર્ન ભાજપે જાહેર કરેલી યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરતા રાજકારણ ગરમાયું છે. વોર્ડ-21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ) માં અગાઉ દીપિકા અંકેશભાઈ ધૂતનું નામ જાહેર કરાયું હતું પરંતુ, જ્ઞાતિગત સમીકરણો નડતા તેમનું પત્તું કપાયું છે. વોર્ડ-21 અને 22 બંનેમાં મહેશ્વરી સમાજના ઉમેદવાર થઈ જતા હોવાથી વિવાદ ટાળવા ભાજપે વરિષ્ઠ કાર્યકર્તા વિમલ ગર્ગના પત્ની સુમન ગર્ગને ટિકિટ આપી છે. હવે આ બેઠક પર અગ્રવાલ સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત કરવામાં આવ્યું છે. યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ ફોર્મ ભરી બળવો પોકાર્યો પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ આખરે અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. રાજસ્થાનના જાટ સમાજમાંથી આવતા ચૌધરીએ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "પાર્ટીને હવે સારા માણસની નહીં પણ 'મારા માણસ'ની જરૂર છે." તેમણે દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં વિપક્ષ પણ તેમની સામે લડવા તૈયાર નહોતો, તેમ છતાં ભાજપે તેમને નજરઅંદાજ કર્યા. આ બળવાને કારણે ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. કોંગ્રેસનો ભણેલા-ગણેલા ઉમેદવારો પર દાવ કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ વખતે દાવો કર્યો છે કે તેમની ટીમમાં વકીલો, એન્જિનિયરો અને ડોક્ટરો જેવા શિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સુરત મેટ્રો સિટી છે અને તેને કટ્ટરવાદના બદલે વિકાસ જોઈએ છે. કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓ, સુરતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ઉધનાવાલાએ પોતે ચૂંટણી ન લડીને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. 'મૂળ સુરતી'ઓને નજરઅંદાજ કરાયાનો આક્ષેપ ટિકિટ ફાળવણી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપના જૂના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે આ યાદીમાં માત્ર 6 જેટલા મૂળ સુરતીઓને જ સ્થાન મળ્યું છે, જ્યારે અન્યોને પ્રાધાન્ય અપાયું છે. જિલ્લાવાદ અને જ્ઞાતિવાદના નામે ટિકિટ વેચાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ મોટા નેતાએ વિધિવત રાજીનામું આપ્યું નથી, પરંતુ અસંતોષની જ્વાળા સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્ઞાતિગત સમીકરણો અને સુરતનું રાજકારણ સુરતની ચૂંટણીમાં હંમેશા જ્ઞાતિવાદ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે ભાજપે જે રીતે છેલ્લી ઘડીએ મહેશ્વરી સમાજની જગ્યાએ અગ્રવાલ સમાજને સ્થાન આપ્યું, તે દર્શાવે છે કે, પાર્ટી એક પણ મતના નુકસાન માટે તૈયાર નથી. બીજી તરફ કોંગ્રેસે તમામ સમાજને સાથે રાખવાની વાત કરી છે, પરંતુ છેલ્લી ઘડીના મેન્ડેટથી કાર્યકરોમાં હજુ પણ કોણ પોતાનું અને કોણ પારકું તે બાબતે મૂંઝવણ છે.
Read Original Article →