ખંડણીખોરોની દાદાગીરી, ‘મહિને 2 લાખ આપવા પડશે’:ચિરાગ ભરવાડના સાગરીત અજય ઉર્ફે જોય સાટીયાની ધરપકડ, અડાજણ પોલીસે દબોચ્યો

Gujarat5/14/2026, 2:32:51 PM
ખંડણીખોરોની દાદાગીરી, ‘મહિને 2 લાખ આપવા પડશે’:ચિરાગ ભરવાડના સાગરીત અજય ઉર્ફે જોય સાટીયાની ધરપકડ, અડાજણ પોલીસે દબોચ્યો
અડાજણ વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા મહેન્દ્રભાઈ પટેલને કુખ્યાત ચિરાગ ભરવાડ અને તેની ગેંગે નિશાન બનાવ્યા હતા. નવસારીથી પરત ફરી રહેલા દલાલ જ્યારે મધુવન સર્કલ પાસે પોતાના મિત્ર સાથે ઉભા હતા, ત્યારે સ્કોડા કારમાં આવેલા આરોપીઓએ તેમને આંતર્યા હતા. આ મામલે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી હતી, જેના ભાગરૂપે હવે વધુ એક આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે. ‘મહિને 2 લાખ આપવા પડશે’ ઘટનાની વિગત મુજબ, ચિરાગ ભરવાડે વેપારીને ગાળો આપી ધમકાવ્યા હતા કે જો સુરતમાં શાંતિથી ધંધો કરવો હોય તો તેની ગેંગને દર મહિને 2 લાખનો હપ્તો આપવો પડશે. જ્યારે મહેન્દ્રભાઈએ ગાળો આપવાનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા ચિરાગે તેમને તમાચા ઝીંકી દીધા હતા. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઈ ગયેલા વેપારીએ તે સમયે પોતાની પાસે રહેલા 1 લાખ ખંડણીખોરોને આપી દીધા હતા. પરિવારે હિંમત આપતા 3 મહિના પછી ફરિયાદ નોંધાઈ આ ઘટના બાદ વેપારી લાંબા સમય સુધી ભયના ઓથાર નીચે રહ્યા હતા. આરોપીઓએ ધમકી આપી હતી કે જો પોલીસને જાણ કરી તો જીવતા નહીં રહેવા દઈએ. જોકે, આખરે પરિવારના સભ્યોએ હિંમત આપતા મહેન્દ્રભાઈએ ગત માર્ચ મહિનામાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ચિરાગ ભરવાડ બાદ સાગરીત અજય ઉર્ફે જોય ઝડપાયો આ ગુનામાં મુખ્ય આરોપી કુખ્યાત ચિરાગ ભરવાડની ગત 16 એપ્રિલના રોજ ભાવનગરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ હતી. અડાજણ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગેંગનો સાગરીત અજય ઉર્ફે જોય લાખાભાઈ સાટીયા સ્ટાર બજાર પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કામરેજની રોયલ સોસાયટીમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ તેજ પકડાયેલા આરોપી અજય સાટીયાની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ રેકોર્ડ મુજબ આ ગેંગમાં મહેશ વાળા અને સુરજ વિરડીયા જેવા અન્ય શખ્સો પણ સામેલ હતા. પોલીસ હવે આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ આ ગેંગે કેટલા વેપારીઓને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે.
Read Original Article →