ઉદ્યોગ સાહસિકોનું કરાયું સન્માન:ચેમ્બર દ્વારા ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાઇ
ચેમ્બર ઓફ કોમર્સ ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GCCIના પ્રમુખ અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર સંદીપ એન્જિનિયરે ભાગ લીધો હતો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બરના પૂર્વ પ્રમુખ રજનીકાંત મારફતિયાને તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ઉદ્યોગની સાથે સમાજના ઉત્થાન માટે જે વ્યકિતઓ અને સંસ્થાઓ મહત્વનું કામ કરે છે તેઓને બિરદાવવાના હેતુથી ગોલ્ડન જ્યુબીલી મેમોરીયલ ટ્રસ્ટ અને ગોલ્ડન જ્યુબીલી એવોર્ડની શરૂઆત કરી હતી. જો તમે ઇન્ડસ્ટ્રી અને સમાજ માટે નોંધનીય કાર્ય કરો તો સમાજ તમારી યોગ્ય કદર કરે જ છે અને તેને કારણે અન્યોને પણ પ્રોત્સાહન મળે છે. સમારોહના મુખ્ય મહેમાન સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, તેમની કારકિર્દીની શરૂઆત પણ સુરતમાંથી જ થઈ હતી અને આ શહેરે તેમને ઘણું શીખવ્યું છે. તેમણે વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિને ખૂબ સરાહનીય ગણાવી હતી. આ ઉત્તમ પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આવી જ રીતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે ચેમ્બરને એમએસએમઇ, સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્તરે એક–બે નવા એવોર્ડનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો.ચેમ્બરના પૂર્વ પ્રમુખો તથા 300થી વધુ ઉદ્યોગકારો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →