ધાર્મિક માલવીયાની 'સરપ્રાઈઝ' એક્ઝિટ:ફોર્મ ભર્યું છતાં ચૂંટણી નહીં લડે, ભાજપના આ માસ્ટર પ્લાનથી પાટીદાર મત વિસ્તારોમાં વિપક્ષો ક્લીન બોલ્ડ થશે?

Gujarat4/10/2026, 10:32:44 AM
ધાર્મિક માલવીયાની 'સરપ્રાઈઝ' એક્ઝિટ:ફોર્મ ભર્યું છતાં ચૂંટણી નહીં લડે, ભાજપના આ માસ્ટર પ્લાનથી પાટીદાર મત વિસ્તારોમાં વિપક્ષો ક્લીન બોલ્ડ થશે?
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે પાટીદાર બહુલ વિસ્તારોના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. પાટીદાર સમાજના લોકપ્રિય યુવા નેતા અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત દાવેદાર ગણાતા ધાર્મિક માલવીયાએ આ વખતે ચૂંટણી ન લડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી ફોર્મ ભરીને શક્તિપ્રદર્શન કર્યા બાદ, અચાનક 8મી એપ્રિલે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ભાજપના સૂત્રો અને સાથી નેતાઓના મતે આ એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કેમ પાછી પાની? ધાર્મિક માલવીયાએ પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેમણે નિરીક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો, જે દર્શાવતું હતું કે તેઓ મેદાનમાં ઉતરવા માટે મક્કમ છે. પરંતુ, પાર્ટીના હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સ્થિતિ બદલાઈ છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, ધાર્મિક માલવીયાને માત્ર એક વોર્ડ પૂરતા સીમિત રાખવાને બદલે સમગ્ર સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કારણોસર જ તેમણે 8 એપ્રિલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ઉમેદવારી પડતી મૂકી છે. વિધાનસભાની ચૂંટણી અને મોટી જવાબદારીના સંકેત ભાજપના મોવડી મંડળ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે ધાર્મિક માલવીયાને આગામી સમયમાં કોઈ મોટી સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને અત્યારથી જ મોટા ફલક પર તૈયાર કરવા માંગે છે. સુરતના પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપનું 'કમળ' વધુ જોરથી ખીલે તે માટે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાની જોડીને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ બંને યુવા નેતાઓ હવે કોઈ એક વોર્ડમાં અટવાઈ રહેવાને બદલે શહેરના તમામ પ્રભાવી વોર્ડમાં પ્રચારની કમાન સંભાળશે. અલ્પેશ કથીરિયાએ વ્યૂહરચના પરથી ઊંચક્યો પડદો ધાર્મિક માલવીયાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, "ધાર્મિકભાઈએ ગત અઠવાડિયે જ પ્રદેશના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની અનિચ્છા વ્યક્ત કરી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત ચૂંટણી જીતવા કરતા પાર્ટીને મહત્તમ બેઠકો જીતાડવાનો છે. હાલમાં સુરતના 8થી 10 વોર્ડ એવા છે, જ્યાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી 18 આલમનો પ્રભાવ છે. આ તમામ વિસ્તારોમાં જઈને ઉમેદવારોને મજબૂત કરવા અને સુરત શહેરમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ધાર્મિકભાઈએ આ ત્યાગ આપ્યો છે." તેમણે ઉમેર્યું કે, સેન્સ પ્રક્રિયા એ લોકશાહીનો ભાગ છે પણ પાર્ટીનું હિત સર્વોપરી છે. બૂથ લેવલનું આયોજન અને વિપક્ષ પર પ્રહાર ભાજપે આ વખતે ચૂંટણીમાં 'બૂથ જીતવા'નો લક્ષ્યાંક રાખ્યો છે. અલ્પેશ કથીરિયાના મતે આ કોઈ વ્યક્તિગત રણનીતિ નથી પણ ભારતીય જનતા પાર્ટીની એક સુવ્યવસ્થિત ફોજનું કામ છે. કાર્યકર્તાઓની મોટી ટીમ દરેક ઘર સુધી પહોંચશે. વોર્ડમાં થયેલા વિકાસકામોની યાદી લોકો સમક્ષ મુકશે અને આગામી પાંચ વર્ષના સંકલ્પો વિશે માહિતગાર કરશે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી વિપક્ષ માત્ર મતો મેળવવા માટે જનતાનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ કામગીરીના નામે શૂન્ય છે. લોકો હવે ગુમરાહ થવા માંગતા નથી અને એટલે જ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. કેસરીયો લહેરાવવા માટે 'ટીમ વર્ક' પર ભાર ધાર્મિક માલવીયાનું ચૂંટણી મેદાનમાંથી ખસી જવું એ હકીકતમાં ભાજપની આક્રમક રણનીતિનો પુરાવો છે. પાર્ટી ઈચ્છે છે કે, લોકપ્રિય ચહેરાઓ માત્ર પોતાની બેઠક બચાવવામાં સમય ન બગાડે પરંતુ, આસપાસની અન્ય બેઠકો પર પણ જીત સુનિશ્ચિત કરે. ધાર્મિક માલવીયા હવે સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા ભજવશે, જેનો સીધો ફાયદો સુરતના અન્ય ઉમેદવારોને મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં વિપક્ષ મજબૂત દેખાય છે ત્યાં ધાર્મિકની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે તેમ છે.
Read Original Article →