Live Updates
ભાજપના નેતાઓએ વડાપ્રધાનનું સંબોધન લાઇવ જોયું:ગુજરાતીઓના અપમાનનો મુદ્દો હવાયો, હવે ચૂંટણીમાં મહિલા અનામતનો એજન્ડા ગાજશે
ગુજરાતની પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં હાલ પ્રચાર કાર્ય તેના મધ્યાહ્ને છે, આવતાં શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે, પરંતુ આ પાંચ દિવસ દરમિયાન ભાજપ હવે મહિલા અનામત બિલનો મુદ્દો ચગાવવા માટે તેના શસ્ત્રો સજાવી રહ્યું છે. રવિવારે કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે ગુજરાત આવી રહ્યાં છે અને તેઓ અહીંથી આ મુદ્દે સંબોધન કરીને ગુજરાતમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને ઘેરવાનો પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારે સંસદમાં લાવેલો બંધારણીય સુધારો લોકસભામાંથી પસાર ન થતાં હવે ભાજપ મહિલા અનામત વિપક્ષના વિરોધને કારણે શક્ય ન બની તે મુદ્દો ગજવવા તૈયાર છે. આ અગાઉ કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓ સંદર્ભે જે ટિપ્પણી કરી હતી તે અંગે ભાજપે તેમનો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો અને તે મુદ્દો ચૂંટણીમાં સતત ગાજતો રહેવાનો હતો, પરંતુ ખડગેએ માફી માગી લેતાં ભાજપને આ મુદ્દે પોતાના કાર્યક્રમો આટોપી દેવા પડ્યા હતા. આ દરમિયાન શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેર સંબોધન કર્યું તેનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના ગુજરાત ભાજપના નેતાઓએ જોયું હતું. આ પછી હવે વોર્ડ સ્તરે ભાજપના કાર્યકરો વિરોધ કાર્યક્રમ યોજશે અને મહિલાઓને વિપક્ષ રાજકારણમાં આવવા દેવા નથી માગતું તેવો પ્રચાર કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શનિવારે સુરતમાં યોજેલી પ્રચાર રેલીમાં તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, કોંગ્રેસે આ બિલનો વિરોધ કરીને દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. ગુરુવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં આ મુદ્દા પર ભાષણ કરીને કોંગ્રેસને આડા હાથે લીધી હતી. ધંધુકાનો બનાવ :હિંદુવાદી સંગઠનો જ ગુસ્સામાં
આ તરફ શનિવારે ધંધુકામાં માત્ર બાઇક ઓવરટેક કરવાની ઘટનામાં એક યુવકની હત્યા થઇ જતાં કોમી તંગદીલી છવાઇ હતી. પોલીસે આ નગરમાં દુકાનો અને અન્ય જાહેર એકમો સાવચેતીના કારણોસર બંધ કરાવ્યાં હતાં. આ ઘટના મુદ્દે હિન્દુવાદી સંગઠનો ગુસ્સામાં છે. એક તરફ જ્યાં સત્તાપક્ષ ભાજપ મહિલા અનામતનો મુદ્દો આગળ ધપાવવા માગે છે, ત્યાં હિન્દુવાદી સંગઠનોના વિરોધને કારણે તકલીફમાં મુકાઇ શકે છે.
Read Original Article →