ભેસ્તાનમાં આધેડની હત્યા મામલે 3 ઝડપાયા:ભંગાર સળગાવવા બાબતે ચાર શખ્સોએ મળી દંડા અને તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો

Gujarat5/13/2026, 1:32:07 PM
ભેસ્તાનમાં આધેડની હત્યા મામલે 3 ઝડપાયા:ભંગાર સળગાવવા બાબતે ચાર શખ્સોએ મળી દંડા અને તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે આવેલા પાંજરાપોળ નજીક એક ભંગારના ગોડાઉન બહાર પ્લાસ્ટિકનો કચરો સળગાવવા જેવી સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હતો. આ નજીવી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક 52 વર્ષીય આધેડની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક ઝાકીર પઠાણ ભાઠેના વિસ્તારમાં રહીને ભંગારના ધંધા દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પુત્રોની હાજરીમાં જ પિતા પર હુમલો થયો મંગળવારે બપોરે જ્યારે ઝાકીરભાઈ પોતાના ગોડાઉન પર હતા, ત્યારે પ્રિતમ અને શુભમ નામના યુવકો સાથે સામાન સળગાવવા બાબતે તેમનો ઝઘડો થયો હતો. મામલો બિચકતા ઝાકીરભાઈએ મદદ માટે પોતાના બે પુત્રો શાહરૂખ અને શાકીરને સ્થળ પર બોલાવ્યા હતા. જોકે, સામાપક્ષે પણ પાંચથી છ શખ્સો એકઠા થઈ ગયા હતા અને વાતચીત કરવાને બદલે સીધો હુમલો કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયારો અને દંડા વડે કરાયો હુમલો એસીપી નિરવ ગોહિલના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમની પાસે ચાકુ અને પ્લાસ્ટિકના દંડા જેવા હથિયારો હતા. આરોપીઓએ ઝાકીર પઠાણ અને તેમના પુત્રો પર તૂટી પડ્યા હતા. આ ધમાચકડી દરમિયાન પ્રિતમ શર્મા નામના આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ઝાકીરભાઈના સાથળ (જાંઘ) ના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. વધુ પડતું લોહી વહી જવાથી વેપારીનું નિધન હુમલો એટલો ભયાનક હતો કે, ઝાકીરભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. સાથળના ભાગે છરી વાગવાને કારણે શરીરમાંથી અતિશય લોહી વહી ગયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે બે મુખ્ય આરોપીઓની કરી અટકાયત હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી પ્રિતમ રામ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે (બટકા)ની અટકાયત કરી લીધી છે. હાલ આ બંને આરોપીઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્રીજો આરોપી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ આ હિંસક અથડામણમાં માત્ર ફરિયાદી પક્ષ જ નહીં, પરંતુ આરોપી પક્ષના કિરણ ઉર્ફે ચેતન બાવીસકરને પણ ઇજાઓ પહોંચી હતી. સામસામે થયેલી માથાકૂટમાં ઘાયલ થયેલા આ ત્રીજા આરોપીને હાલ એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હોસ્પિટલમાં પણ ચુસ્ત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને ડિસ્ચાર્જ થતા જ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. ફરાર ચોથા આરોપીને પકડવા ચક્ર ગતિમાન પોલીસ તપાસમાં ચોથા આરોપી તરીકે અંકિત દિનકર પાટીલનું નામ ખુલ્યું છે. જોકે, અંકિત પોલીસની પકડથી બચવા માટે હાલ ફરાર થઈ ગયો છે. એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યરત કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
Read Original Article →