4.71 લાખના ચેક રિટર્ન કેસમાં ભાવનગરના શખ્સની અપીલ ફગાવાઈ:સેશન્સ કોર્ટે જેલની સજા યથાવત રાખી, ચેક પર સહી હોય તો જવાબદારીમાંથી છટકી શકે નહીં
શહેરમાં રૂ. 4.71 લાખના ચેક રિટર્ન કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભાવનગરના શખ્સ દ્વારા ટ્રાયલ કોર્ટના સજાના હુકમ સામે કરવામાં આવેલી અપીલને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નીચલી અદાલતના એક વર્ષની કેદ અને વળતર ચૂકવવાના આદેશને યથાવત રાખતા આરોપીની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રાવેલ્સ ઓફિસના કલેક્શનમાં ગોબાચારી કરી હતી
આ કેસની વિગત મુજબ, પાલ અડાજણ વિસ્તારમાં રહેતા અને 'અખિલ નટરાજ ટ્રાવેલ્સ'ના માલિક રાધેશ્યામ દિનેશચંદ્ર ત્રિવેદીની ઓફિસમાં ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામનો હિરેન યોગેશભાઈ મહેતા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો. વર્ષ 2019માં હિરેને બુકિંગ કલેક્શનની રૂ. 4,71,000ની રકમમાં ગોબાચારી કરી અંગત કામમાં વાપરી નાખી હતી. આ નાણાં પરત કરવાના પેટે તેણે ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો
આરોપી હિરેને આપેલો રૂ.4.71 લાખનો ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો. આથી ફરિયાદી રાધેશ્યામભાઈએ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2024માં ટ્રાયલ કોર્ટે આ મામલે સુનાવણી બાદ આરોપીને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેની સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. કાયદેસરની જવાબદારી અંગે ફરિયાદીની દલીલ
સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદીના વકીલ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી કે, ચેક પર આરોપીની સહી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-20 મુજબ, જો ચેક પર સહી હોય તો તે કાયદેસરની જવાબદારી પેટે જ આપ્યો હોવાનું માની લેવામાં આવે છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું કે આરોપી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આરોપીની ધરપકડ કરી સજા ભોગવવા આદેશ
સુરત સેશન્સ કોર્ટે આરોપીની અપીલ ફગાવી દેતા તેના જામીન રદ કર્યા છે. કોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે કે આરોપીની ધરપકડ કરી સજા ભોગવવા માટે જેલ મોકલવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, જો આરોપીએ અપીલ દરમિયાન કોઈ 20% રકમ કોર્ટમાં જમા કરાવી હોય, તો તે ફરિયાદીને ચૂકવી દેવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
Read Original Article →