મલેશિયા-થાઈલેન્ડ એક્સપોર્ટ કેસ:ડ્રગ્સ કાર્ટેલ સાથે કનેક્શનના આરોપમાં પકડાયેલા ભૌતિક પદમાણી અને ચેતન વાવડીયાને કોર્ટે શરતી જામીન આપ્યા
એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર મલેશિયા અને થાઈલેન્ડ મોકલવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા આરોપીઓ ભૌતિક દામજીભાઈ પદમાણી અને ચેતન કનુભાઈ વાવડીયાને સેસન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની એ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી કે આરોપીઓ લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તપાસના તમામ દસ્તાવેજો પોલીસ પાસે હોવાથી હવે તેમને વધુ સમય જેલમાં રાખવાનું કોઈ કાયદાકીય કારણ જણાતું નથી. આ હુકમથી ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલા હોવાના આરોપનો સામનો કરી રહેલા બંને શખ્સોને મોટી રાહત મળી છે. શું હતો સમગ્ર મામલો?
ATSના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. રહેવરને મળેલી બાતમીના આધારે નિકુંજ હરેશભાઈ ઘડીયા, ચેતન વાવડીયા અને ભૌતિક પદમાણી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવાનો કેસ દાખલ થયો હતો. આરોપ હતો કે તેઓ ઓટોમીડેટ પાવડરને એલોવેરા પાવડર અને ગીનોપોલ-24 ના સેમ્પલ તરીકે ખોટા લેબલ લગાવીને મુંબઈ એરપોર્ટથી વિદેશ મોકલતા હતા. ATS એ આક્ષેપ કર્યો હતો કે આ પાવડર મલેશિયા અને થાઈલેન્ડમાં પ્રતિબંધિત છે અને આરોપીઓએ બોગસ બિલ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી છે. બચાવ પક્ષની રજૂઆત
આરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર ભારત દેશમાં પ્રતિબંધિત નથી. તેનું ખરીદ-વેચાણ કાયદેસર છે અને તે GST બિલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રેશમવાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જો કોઈ પાવડર અન્ય દેશમાં પ્રતિબંધિત હોય, તો તે ગુનાની કાર્યવાહી ભારતમાં ચલાવી શકાય નહીં." વધુમાં, એક્સપોર્ટમાં કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી ન હોવાથી સરકારને કોઈ આર્થિક નુકસાન પહોંચ્યું હોવાના પૂરાવા પણ ATS રજૂ કરી શક્યું નથી. ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી, કોર્ટમાં દલીલ
કોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કોઈ ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી. આરોપીઓની ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને હિસાબી ચોપડાઓ તપાસ અધિકારીએ અગાઉથી જ જપ્ત કરી લીધા છે. સમગ્ર કેસ દસ્તાવેજી પૂરાવાઓ પર આધારિત છે અને હવે આરોપીઓ દ્વારા પુરાવા સાથે ચેડાં કરવાની કોઈ શક્યતા નથી, જેને ધ્યાને લઈ જામીન આપવા જોઈએ. કોર્ટની ટિપ્પણી અને જામીનની શરતો
સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે નોંધ્યું કે માત્ર મિસલેબલિંગ કરવાથી સરકાર સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો સાબિત થતો નથી, ખાસ કરીને જ્યારે વસ્તુ દેશમાં પ્રતિબંધિત ન હોય. આરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાની દલીલો સફળ રહી હતી અને બંને આરોપીઓને હવે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જેલમાંથી મુક્તિ મળશે.
Read Original Article →