1550 કરોડના ફેક ITC રેકેટમાં બે માસ્ટરમાઈન્ડની ધરપકડ:અરૂણાચલથી ગુજરાત સુધી ફેલાયેલું કૌભાંડ, સાત રાજ્યોમાં બોગ પેઢીઓ બનાવી કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચારી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI), સુરત ઝોનલ યુનિટ દ્વારા સમગ્ર ભારતમાં ફેલાયેલા અંદાજે રૂ. 1,550 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી અને 12 એપ્રિલ, 2026 ના રોજ આ નેટવર્કના બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે સાત રાજ્યોમાં બનાવટી કંપનીઓ ઉભી કરી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઓપરેશન ડેટા એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. ખોટા બિલિંગ કરીને પોતાની જાતે ITC જનરેટ કરતા
આ સિન્ડિકેટ દ્વારા વાસ્તવિક માલ કે સેવાની સપ્લાય કર્યા વિના માત્ર કાગળ પર બનાવટી પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ પેઢીઓ દ્વારા ખોટા બિલિંગ કરીને 'સુઓ મોટુ' (પોતાની જાતે) ITC જનરેટ કરવામાં આવતી હતી. આ નેટવર્કમાં જે સંસ્થાઓના GST નંબર રદ થયા હોય અથવા જેનું અસ્તિત્વ જ ન હોય તેવી કંપનીઓ પાસેથી ક્રેડિટ મેળવી તેનું સર્ક્યુલેશન કરવામાં આવતું હતું. તપાસ મુજબ આ જાળું ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિત કુલ સાત રાજ્યોમાં ફેલાયેલું હતું. અરુણાચલ પ્રદેશથી શરૂ થઈ તપાસની કડી
આ કૌભાંડની કડી અરુણાચલ પ્રદેશમાં નોંધાયેલા શંકાસ્પદ GST નંબરો પરથી મળી હતી. પાન કાર્ડ (PAN) લિંકેજ અને ડેટા એનાલિસિસ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે આ એક આંતરરાજ્ય ગેંગનું વ્યવસ્થિત નેટવર્ક છે. તપાસનીશ અધિકારીઓને જણાયું કે ટેક્સ ઓથોરિટીને ગેરમાર્ગે દોરવા માટે ટ્રાન્ઝેક્શનમાં 'લેયરિંગ' પદ્ધતિનો ઉપયોગ કરાતો હતો. દાખલા તરીકે, માત્ર એક જ ચેઈનમાં રૂ. 126 કરોડની ITC ને 3 થી 4 અલગ-અલગ સ્તરોમાં ફેરવવામાં આવી હતી જેથી તેના અસલી ઉદભવ સ્થાન સુધી ન પહોંચી શકાય. દરોડા અને આરોપીઓની ધરપકડ
સુરત DGGI દ્વારા વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. આ કેસના બે મુખ્ય માસ્ટરમાઇન્ડ, જેઓ બનાવટી પેઢીઓના રજીસ્ટ્રેશન, રિટર્ન ફાઈલિંગ અને કમ્પ્લાયન્સ હેન્ડલ કરતા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ સમગ્ર કૌભાંડના મુખ્ય કાવતરાખોરોમાં સામેલ છે.
Read Original Article →