ભાજપમાં યાદવાસ્થળી!, સુરતમાં 300થી વધુ કાર્યકરોએ કાર્યાલય ઘેર્યું:સ્થાનિકને ટિકિટ ન મળતા કોળી-પાટીદાર સમાજે બાયો ચડાવી, અમદાવાદમાં ડેમેજ કંટ્રોલ માટે નેતાઓની મથામણ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. શિસ્ત બંધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા આંતરિક વિવાદ શરૂ થયો છે. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. અમદાવાદમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થતાં પ્રદેશ અને શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓએ તો પ્રચાર ન કરવાની સાથે મતદાન પણ ન કરવાનું કહી દીધુ છે. ‘ટિકિટ આપી તેને અમે 5 વર્ષમાં ક્યારેય જોયા નથી’
સુરતના અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના રહીશોએ એકત્ર થઈને ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે રાત્રિના મોરચો માંડ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો અને સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખીને ‘બહારના’ અથવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. જે ઉમેદવારને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય જોયા નથી. કોળી અને પાટીદાર સમાજમાં ભારે રોષ, 25 હજાર મતદારોની ચીમકી
વોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ સાથે ભાજપ અન્યાય કરતો હોવાનો આક્ષેપ છે. સામાજિક આગેવાનોનું કહેવું છે કે, દર વખતે ચૂંટણીમાં સમાજના યુવાનો તન-મન-ધનથી ભાજપ માટે કામ કરે છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે, ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે. સ્થાનિકોએ એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અડાજણ અને પાલ વિસ્તારના આશરે 25 હજાર જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. પૂર્ણેશ મોદી દોડી આવ્યા, પોલીસ બંદોબસ્ત વચ્ચે સમજાવટના પ્રયાસ
સ્થાનિક કાર્યાલય પર 300થી વધુ લોકોનું ટોળું અને સતત વધતી ભીડને જોતા મામલો બિચકે તેવી સંભાવના હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તુરંત પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન, મામલો શાંત પાડવા માટે પૂર્વ મંત્રી અને નેતા પૂર્ણેશ મોદી તાત્કાલિક કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે નારાજ કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્યકરો પોતાની માગ પર મક્કમ જોવા મળ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદમાં પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવા મીટિંગો શરૂ
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં 48 વોર્ડ છે, જેમાં ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વિસ્તારોમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક નાની-મોટી નારાજગી જોવા મળી રહી છે, પરંતુ તેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવતો નથી. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અત્યારે હાલમાં ખૂબ જ નારાજ છે. આ સ્થિતિ વચ્ચે શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ડેમેજ કંટ્રોલ માટે નેતાઓને જવાબદારી સોંપાઈ
ચાંદખેડા વોર્ડની જવાબદારી શહેર મહામંત્રી દર્શક ઠાકરને આપવામાં આવી છે. ઈન્ડીયા કોલોની અને સરદારનગર તેમજ નરોડા જેવા વોર્ડ માટે ગૌતમ કથિરિયાને જવાબદારી સોંપવામાં આવી રહી છે. નારાજ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારો સાથે એક બાદ એક મળી અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારો જાહેર થયાના બીજા દિવસને જ શહેર ભાજપના કેટલાક નેતાઓને રાતોરાત દોડાવવામાં આવ્યા હતા અને આંતરિક રોષ ઠારવામાં આવ્યો હતો. જો કે હજી પણ કેટલીક જગ્યાએ કાર્યકરોમાં ખૂબ જ કચવાટ છે. બગીચામાં બેઠક, મહિલાએ પ્રચાર અને મતદાન ન કરવા કહ્યું
ગાંધીનગર લોકસભામાં નારણપુરા વિધાનસભાના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ઉમેદવાર તરીકે ફરીથી રિપીટ ન કરવામાં આવતા ભાજપ સામે નારાજ થયા હતા. ખાનગી રહે વિસ્તારમાં આવેલા એક બગીચામાં તેમણે કેટલાક લોકો સાથે મળીને બેઠક કરી હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બેઠકમાં ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષ ને ખાનગી રાહે ફાયદો અને મતદાન પણ ન કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. રાજપૂત અને બ્રહ્મ સમાજમાં પણ રોષ, MLA સામે પણ વિરોધ
અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ રાજપૂત સમાજના લોકોને ઉમેદવાર નહીં લાવવાને લઈને સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજને પણ ટિકિટ મળી નથી, જેને લઇ નરોડા વિસ્તારના બ્રહ્મ સમાજના ગ્રુપમાં પણ મત ન આપવા અને ચૂંટણી બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યા હતા, જેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. ધારાસભ્યોની મનમાનીના કારણે કોઈકને કોઈક વોર્ડમાં સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે દિન-પ્રતિદિન વિરોધ સામે આવી રહ્યો છે. ગોતામાં OBCની જગ્યાએ અન્યને ટિકિટ આપતા રાજકીય માહોલ ગરમાયો
ગોતા વોર્ડમાં સૌથી વધારે માલધારી સમાજના મતો છે, પરંતુ ભાજપ દ્વારા માલધારી સમાજના યુવા અથવા અનુભવીને ટિકિટ આપવાની જગ્યાએ ઓબીસી સમાજમાંથી બીજા જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે, જેના કારણે થઈને માલધારી સમાજ અને નેતાઓને ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોતામાં બીપીન પટેલ (ગોતા)ને પણ માલધારી સમાજનો રોષ ઠારવા માટે કામે લગાડવામાં આવ્યા છે. રાણીપ વોર્ડમાં જે 2 પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે બંને ઉમેદવારો ખાસ જાણીતા ચહેરા નથી. ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉમેદવારની પસંદગીને લઈને આંતરિક વિરોધ છે. વસ્ત્રાલમાં પણ માત્ર નામના ઉમેદવારો આપવામાં આવ્યા છે. ખરેખર કામ કરનારા કોર્પોરેટરોને કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ચર્ચા છે કે જે નેતાઓને ટિકિટ આપવામાં આવી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગોઠવણ કરવામાં આવી છે. એવા ઉમેદવારો લઈ આવવામાં આવ્યા છે, જેથી ભાજપના વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓને મૂકી અને બીજા લોકોને ટિકિટ આપવામાં આવે છે. નેતાઓના લોબીંગ અને જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી
સૂત્રો મુજબ, ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીમાં કેટલાક નેતાઓના લોબીંગ અને જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી પુરવાર થતાં આખરે કકળાટ સામે આવી રહ્યો છે. કેટલાક એવા ચહેરાઓને સ્થાન અપાયું કે જે નવા છે તો જુના, અનુભવી કાર્યકર્તાઓ અને પૂર્વ કોર્પોરેટરોનેને સાઇડ પર રાખવામાં આવ્યા છે. જો ભાજપમાં આ આંતરિક અસંતોષ કાબૂ કરવામાં સફળ નહિ રહે તો કેટલીક બેઠકો ઉપર નબળા પરિણામ ભોગવવા પડે એ સ્થિતિ સર્જાઈ છે.
Read Original Article →