એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ:અડાજણમાં હાઈડ્રોલિક વિભાગની બેદરકારી, પાઈપલાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ
સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગની બેદરકારી આજે ફરી એકવાર સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી જતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હતી. રિપેરિંગ કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું
મળતી વિગત મુજબ, અડાજણના હની પાર્ક રોડથી સરિતા ડેરી તરફ જતી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ હોવાથી હાઈડ્રોલિક વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી દરમિયાન અચાનક લાઈનમાં મોટું ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડ્યા હતા. વહેલી સવારથી જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જોતજોતામાં આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તંત્રની અસમર્થતાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ
આ ઘટના અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 6 વાગ્યે જ્યારે ભંગાણ પડ્યું ત્યારે તુરંત જ હાઈડ્રોલિક વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, જવાબદાર વિભાગે ત્વરિત સમારકામ કરવાને બદલે પોતાની અસમર્થતા જાહેર કરી દીધી હતી. તંત્રના આ ઉદાસીન વલણને કારણે કલાકો સુધી પાણીનો બગાડ થતો રહ્યો હતો, જેનાથી સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પાણીના વેડફાટથી જનતામાં સવાલો
સુરતની જનતા જ્યારે ગરમીમાં પાણીનું એક એક ટીપું કિંમતી છે ત્યારે પાલિકાની બેદરકારીથી લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટેકનિકલ જાણકારીના અભાવે અથવા તો લાપરવાહીને કારણે આ ભંગાણ સર્જાયું છે. હાલમાં આ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશરની સમસ્યા સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.
Read Original Article →