ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 હેઠળ કાર્યવાહી:ઓનલાઇન ઠગાઈના એકસાથે 40 કેસ, દોઢ કરોડ સુધીના સાયબર ફ્રોડ
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક યોજી ઓનલાઇન ઠગાઈ રોકવા અને ડમી બેંક ખાતા બંધ કરવા માટે ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ-2.0’ હેઠળ કડક વ્યૂહરચના ઘડી હતી. ગૃહમંત્રીની લીલી ઝંડી મળતાં જ પોલીસે એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ ઓનલાઇન ઠગાઈની 40 ફરિયાદો નોંધી હતી. લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં એકસાથે ગુના દાખલ કરાયા હતા. 40 અલગ-અલગ ફરિયાદો દર્શાવે છે કે શહેરમાં ડિજિટલ ક્રાઇમનું નેટવર્ક કેટલું ઊંડું છે. સાયબર સેલ ઉપરાંત ઈચ્છાપોર, ડુમસ, સચિન, ડિંડોલી, ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર, અલથાણ, પાંડેસરા, વેસુ, ઉમરા, અઠવા, ચોકબજાર, લાલગેટ, સરોલી, લિંબાયત, અશ્વિનીકુમાર, પુણા, વરાછા, કાપોદ્રા અને સરથાણા સહિતના તમામ પોલીસ સ્ટેશનો આ ઓપરેશનમાં જોડાયા હતા. આ ફરિયાદોમાં ₹4,000થી લઈને ₹1.52 કરોડ સુધીની ઓનલાઇન ઠગાઈ ખુલી છે. ભોગ બનનારાઓએ પોતાની મહેનતની મૂડી ગુમાવી દીધી છે, જેની ઊંડી તપાસ હવે અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં સૌથી વધુ 13 ફરિયાદો કુલ 40 ફરિયાદોમાંથી સૌથી વધુ અને મહત્વની 13 ફરિયાદો સીધી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થઈ છે. સાયબર સેલમાં જ શહેરનો સૌથી મોટો ₹1 કરોડ 52 લાખની છેતરપિંડીનો કેસ પણ નોંધાયો છે. હાઈ-પ્રોફાઈલ અને જટિલ ટેકનિકલ કેસોની તપાસ સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ કરી રહી છે, જેથી આ ગુનાઓ પાછળ કઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગ કામ કરી રહી છે અને કયા મ્યુલ એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેનો વહેલી તકે ખુલાસો થઈ શકે.
Read Original Article →