ઉધના ઝોન ઓફિસના ગેટ બહાર જ ACBએ પકડ્યા:2021માં ગટરજોડાણ માટે, 2026માં પાણીજોડાણ માટે રૂ. 45 હજારની લાંચ લેતો અધિકારી ઝડપાયો
સુરત મહાનગરપાલિકાની ઉધના સાઉથ ઝોન કચેરીના મુખ્ય ગેટની બિલકુલ બહાર, વર્ગ-૨ના એક આસિસ્ટેન્ટ એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશભાઈ નટવરલાલ મોદી (ઉં.વ. 55) દર મહિને સરકાર તરફથી આશરે 1.17 લાખનો પગાર મેળવતા હતા. જીજ્ઞેશ મોદીને નિવૃત્તિના માત્ર 2 જ વર્ષ બાકી હતા. એક જાગૃત નાગરિકે ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું. આ કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટર એટલે કે ફરિયાદીના બિલની રકમ મંજૂર કરવા અને ફાઈલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશ મોદીએ બદલામાં 50 હજારની લાંચ માંગી હતી. આખરે મામલો 45 હજાર પર નક્કી થયો હતો. જોકે, ફરિયાદીએ તરત જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરીને આ ઇજનેર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉધના સાઉથ ઝોન કચેરી નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. મનપા કચેરીના મુખ્ય ગેટની બહાર, જમણી બાજુ રોડ કિનારે આરોપીએ જેવા જ 45 હજાર લાંચના પોતાના હાથમાં સ્વીકાર્યા કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો. આરોપીના કબજામાંથી મેળવેલી 45 હજારની લાંચની રકમ જપ્ત કરવામાં આવી હતી. વર્ષ 2021માં 15 હજાર લેતા પકડાયા હતા આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશ મોદી રીઢા ગુનેગારની જેમ અગાઉ પણ લાંચના કેસમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2021માં જ્યારે તે રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવાના બદલામાં 15,000ની લાંચ લેતા સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયો હતો અને તેની સામે ગુનો પણ નોંધાયો હતો. આટલી ગંભીર કાર્યવાહી અને બદનામી છતાં તેની વર્તણૂકમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જીજ્ઞેશ મોદીએ જૂના ગુનામાંથી પાઠ ભણવાને બદલે ઉધના ઝોનમાં આવીને ફરીથી મોટો આર્થિક ભ્રષ્ટાચાર આચર્યો હતો.
Read Original Article →