કરૂણાંતિકા:કોઝવેમાં બે પિતરાઈ સાથે ન્હાતા યુવકના હાથથી રેલિંગ છૂટી, ડૂબી જતાં મોત થયું
કોઝવેમાં નહાવા માટે ગયેલા રાંદેરના ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી એકનું ઉંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની વાત કરીયે તો રામનગર લીલાસા વાડી પાસે રહેતા 28 વર્ષીય દિનેશભાઈ નારાયણભાઈ વિશ્વકર્મા ચાઈનીઝની લારી ચલાવતા હતા. ગરમીથી રાહત મેળવવા માટે તેઓ તેમના બે પીતરાઈ ભાઈઓ સાથે બુધવારે બપોરે કોઝવે ખાતે નહાવા ગયા હતા. ગેટ નજીક નહાવા ગયેલા ત્રણેને સ્થાનીક નાવીકોએ ડૂબી જવાનું જોખમ હોવાથી બહાર નીકળી જવા કહ્યું હતું. જેથી ત્રણે ત્યાંથી થોડાક અંતરે જઈ ફરીથી કોઝવેમાં નહાવા પડ્યા હતા. બે ભાઈઓને તરતા આવડતું હોવાથી તેઓ અંદર નહાતા હતા. જ્યારે દિનેશભાઈને તરતા આવડતું ન હોવાથી તેઓ રેલીંગ પકડીને નહાતા હતા. દરમ્યાન રેલીંગ હાથમાંથી છુટી જતા તેઓ અચાનક ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. દિનેશભાઈ ડૂબી ગયા હોવાની જાણ થતા તેમના બન્ને ભાઈઓએ બુમાબુમ કરી હતી. જોકે કોઈ બચાવવા પહોંચે ત્યાં સુધીમાં તો દિનેશભાઈ ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. દોડી આવેલા લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર ધર્મેશ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોઝવેના પાણીમાં દિનેશભાઈની શોધખોળ હાથ ધરી હતી. અડધો કલાકની શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ચોકબજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી.
Read Original Article →