કાર્યવાહી:રોયલ્ટી પાસ વિના જ સાદી રેતી ભરેલા 7 ટ્રક- ડમ્પર પકડાયા, રૂ. 80 લાખનો મુદ્દામાલ સીઝ
સુરત ભૂસ્તર વિભાગે કામરેજમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કરીને અમદાવાદથી મુંબઈ જતા સાદી રેતી ભરેલા 7 ટ્રક-ડમ્પરને પકડી પાડ્યા હતા. જે પછી તપાસમાં તેમની પાસે કોઈ માન્ય રોયલ્ટી પાસ ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી ભૂસ્તર વિભાગે વાહનો સહિત અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે તમામ 7 વાહનોને ડિટેઇન કર્યા હતા. પકડાયેલા સાત વાહનો પૈકી 6 વાહનોને નવાગામ ખાતે આવેલા દેવમ કમ્પાઉન્ડમાં અને 1 વાહનને શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા છે. વાહનો અને રેતીની કિંમત મળી કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક મહિના સુધી સાત ટ્રક-ડમ્પરને સીઝ રખાશે
ભૂસ્તર અધિકારી પ્રવીણ ખાભલાએ કહે છે કે ‘તમામ વાહનો 30 દિવસ સુધી સીઝ રાખવામાં આવશે. ઓનલાઇન સિસ્ટમની પ્રક્રિયા અનુસાર 30 દિવસ પૂર્ણ થયા બાદ જ નોટિસ જનરેટ થશે. ત્યારબાદ જ પકડાયેલા વાહનોને રિલીઝ કરવા માટેની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’
Read Original Article →