સુરત:શહેરમાં સેટેલાઇટથી 5% ગ્રીન કવર દેખાય છે, પરંતુ એકપણ ટ્રી પાર્ક નથી, અર્બન ફોરેસ્ટ પણ નામ પૂરતા

Gujarat6/8/2026, 12:19:07 AM
સુરત:શહેરમાં સેટેલાઇટથી 5% ગ્રીન કવર દેખાય છે, પરંતુ એકપણ ટ્રી પાર્ક નથી, અર્બન ફોરેસ્ટ પણ નામ પૂરતા
શહેરમાં સેટેલાઈટ મેપિંગમાં પાંચ ટકા ગ્રીન કવર દેખાય છે પરંતુ હકીકતમાં આ મેપિંગમાં ખેતરો પણ આવી જતાં હોય અસલમાં તો બેથી ત્રણ ટકા માંડ ગ્રીન કવર છે ત્યાંરે શહેરના સળગતા પ્રશ્ને દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ટોકમાં અગ્રણી સંસ્થાઓના પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. જેમાં કર્મવીર ભટ્ટ, સ્નેહલ પટેલ, સંજય બોસમિયા, તુલશીભાઈ માંગુકિયા, વિનોદ પટેલ, હેતલ દેસાઈ, નિલેશ વાંકાવાળા, કિંજલબેન પુજારી, દર્શન દેસાઈ, સમીર અલાવડી, એમ.એસ.એચ.શેખ, નરસિંહ જિંજાળા, એસીપી જાહિદખાન પઠાણ, ડો. પરેશ શાહ, સ્મૃતિબેન ચૌધરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભક્તિબેન પંચાલ, અમિષ સરૈયા અને હેતલ દેસાઈ સહિત કપિલ સેંજલિયા ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ કાગળ ઉપર જ છે, મોટાપાયે લોકો કોઈને પૂછયા વિના વૃક્ષો કાપી નાંખે છે ગ્રીન કવરની જોગવાઈ નથી વર્ષ 1985થી અત્યાર સુધીમાં કેટલાં વૃક્ષો કપાઈ ગયા એ ગુગલ મેપ ઉપર સીધી રીતે દેખાય છે. આ પરિસ્થિતિમાં હવામાં ઓક્સિજન ધટી રહ્યો છે અને લોકોને શ્વાસ લેવાના પણ ફાંફા પડશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ સરકારમાં ઈકોલોજિને સમજી શકે એવા પ્રતિનિધિ અને અધિકારીઓનો દુકાળ જોવા મળે છે. કોનો કોપર્સથી નુકસાન થતું નથી એક સમયે કોનો કોપર્સ વાવણી થતી હતી પરંતુ આ ઝાડને કારણે એલર્જી થતી હોવાની વાતો ફેલાઈ અને વાવણી બંધ થઈ ગઈ, પરંતુ હકીકત સાવ એવી નથી. કોયલી ખાડીના પ્રદુષિત પાણીમાં કોનો કોપર્સ થયા છે અને તેંની ઉંચાઈ પણ જોવા મળે છે આ સંજોગોમાં તેની વાવણી સામે સુગ રાખવી યોગ્ય નથી. અનામત પ્લોટમાં ટ્રી પાર્ક બનાવો પાલિકા અને રાજય સરકારના અનામત પ્લોટ ઉપર ટ્રી પાર્ક બનાવા માટેની જોગવાઈ થવી જોઈએ. લોકો શ્વાસ કંઈ રીતે લેશે એનો વિચાર કરીને પણ પાર્ક બનવા જોઈએ. તેની સામે ટી.પી.માં 40 ટકા જગ્યા કપાતમાં પણ ગ્રીન કવર બનાવી જગ્યા બાંધકામ માટે ફાળવી દેવાનું બંધ કરવું જોઈએ જેથી વૃક્ષો વાવી શકાય. આ માટે એક મજબૂત લોક આંદોલનની જરૂરીયાત છે. વાવણીમાં બાયોડાયવર્સિટી રાખો, વૃક્ષોનું જતન થશે પક્ષીઓને ભોજન માટે અપાતા ચણની સાથે ઈયળ અને ફળની પણ જરૂર છે. આ સંજોગોમાં જે લોકો વૃક્ષ વાવણી કરે છે તેઓ પણ બાયોડાયર્સિટી ધોરણે એક જ પ્રકારના વૃક્ષ વાવવાને બદલે વિવિધ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી અથવા અન્ય પ્રકારના વૃક્ષ સાથે વાવે એ જરૂરી છે. ખાસ કરીને વૃક્ષ વધવાની સાથે તેની ઉપર જુદી જુદી સિઝન પ્રમાણે પક્ષીઓ આવે છે કે, નહીં એની ઉપર વોચ રાખવી જોઈએ. વાતાવરણ બદલાતા નેટીવ ટ્રીને બદલે અન્ય વૃક્ષો પણ વાવી શકાય છે અને તે ઉગે છે. પાલિકા ટ્રિમિંગ પણ આડેઘડ કરે છે, ઘટાદાર વૃક્ષોની પણ છટણી કરાય છે શહેરમાં વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ કાગળ ઉપર છે, મોટાપાયે લોકો કોઈને પૂછયા વિના વૃક્ષો કાપી નાંખે છે. એવી જ રીતે પાલિકા દ્વારા પણ ટ્રિમિંગ દરમિયાન ઈકોલોજી સિસ્ટમને ધ્યાનમાં રખાતા નથી. આડેઘડ પણે માત્ર કટરથી ટ્રિમિંગ કરાય છે. જેના કારણે વૃક્ષો ધીમે ધીમે મૃત:પાય થતા જાય છે. પાલિકા પોતે કોઈ આયોજન કરતું નથી પરંતુ હયાત વૃક્ષોને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં પણ આળસ રાખે છે. શહેરમાં એક પણ ટ્રી પાર્ક નથી રાજકોટ જેવા શહેરમાં 25થી વધુ ટ્રી પાર્ક છે પરંતુ સુરતમાં સમખાવા પૂરતો એક પણ પાર્ક નથી. શહેરના ફેફસા સમાન બાયોડાયર્સિટી પાર્ક પણ બનતા નથી. ગાંધીનગરમાં 36 ટકા એરિયા ગ્રીન કવરમાં છે બેંગ્લોરમાં પચાસ ટકાથી વધુ છે જયારે સુરતની સ્થિતિ વણસતી જાય છે. છત ઉપર બગીચો બનાવવા જોઈએ શહેરમાં જમીનની અછત સીધી રીતે વર્તાઈ રહી છે ત્યાંરે લોકો ઈચ્છે તો પોતાના ધર કે, બિલ્ડિંગની ટેરેસ ઉપર પણ નાનકડો બગીચો નાવી શકે છે. એવી જ રીતે વેલાને કારણે પણ ધરના વાતાવરણમાં ઠંડક જોવા મળે છે એનો પણ ઉપયોગ થાય છે. વેલા પણ પક્ષીઓને ઈયળ પુરી પાડે છે.
Read Original Article →