સુમુલ ડેરીની ચૂંટણીમાં 991 મતદારોમાંથી 3 નામ કપાઈ ગયા:24 વર્ષથી ડિરેક્ટરપદે રહેલા જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ
સુમુલ ડેરીની ચૂંટણી માટે જાહેર કરાયેલી મતદાર યાદીમાં 991 મતદારોનો સમાવેશ કરાયો હતો. જો કે, મતદાર યાદીના સુધારા બાદ 3 નામ રદ થતાં હવે અંતિમ યાદીમાં 988 મતદારો રહ્યા છે. સૌથી ચર્ચાસ્પદ નામ છેલ્લાં 24 વર્ષથી ડેરીમાં ડિરેક્ટરપદે કાર્યરત રહેલા જયેશ દેલાડનું છે. અન્ય 2 નામોમાં નિઝર મંડળીના પ્રતિનિધિ અને અન્ય એક મંડળીના ઉમેદવારનો સમાવેશ થાય છે. જયેશ દેલાડ સામે કલમ-93 સંબંધિત મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી તેઓ ચૂંટણી લડી શકતા નથી તેવી રજૂઆત કરાઈ હતી. સૂત્રો મુજબ, આ કેસમાં 18 જૂને ચુકાદો આવવાનો છે. જો કે, તે પહેલાં જ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને ચૂંટણી કાર્યક્રમ પૂર્ણ થતાં તેમનું નામ યાદીમાંથી રદ થઈ ગયું છે. પરિણામે છેલ્લાં 24 વર્ષથી સતત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતા આવેલા જયેશ દેલાડ પહેલી વખત ચૂંટણી પ્રક્રિયાથી જ બહાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટના 18 જૂનના ચુકાદા પહેલાં જ નામ કપાયું બીજી તરફ, આ સમગ્ર મામલાને લઈને જયેશ દેલાડે રાજકીય દાવપેચનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં કલમ-93ના કેસનો ચુકાદો 18 જૂને આવવાનો હોવા છતાં તે પહેલાં જ તેમનું નામ મતદાર યાદીમાંથી કાપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સુમુલની ચૂંટણીમાં તેઓ પોતાના સમર્થકોની અલગ પેનલ ઉતારશે.
Read Original Article →