માંડવી અને ધ્રાંગધ્રામાં ડૂબી જવાથી 6ના મોત:કાકરાપાર ડેમમાં એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈ, ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં એક સગીર, એક યુવકનું મોત; 12 દિવસમાં 17થી વધુ ડૂબ્યા

Gujarat5/12/2026, 5:57:48 AM
માંડવી અને ધ્રાંગધ્રામાં ડૂબી જવાથી 6ના મોત:કાકરાપાર ડેમમાં એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈ, ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં એક સગીર, એક યુવકનું મોત; 12 દિવસમાં 17થી વધુ ડૂબ્યા
સુરતના માંડવી તાલુકા અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી 6 લોકોના મોતની બે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંડવીના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈઓના મોત થયા છે, જ્યારે ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં ડૂબી જતાં અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત થયું છે. ઘટના 1 : કાકરાપાર ડેમમાં ભાઈને બચાવવા જતાં અન્ય 3 પણ પાણીમાં ગરકાવ કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા ગયેલો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે યુવકનો એક સગો ભાઈ અને બીજા બે પિતરાઈ ભાઈ પણ પાણીમાં કૂદી પડ્યા હતા. કમનસીબે, ભાઈને બચાવવાની આ હિંમત હૃદયદ્રાવક હોનારતમાં ફેરવાઈ ગઈ હતી. એકબીજાને બચાવવાની મથામણમાં આખરે ચારેય ભાઈએ અંતિમશ્વાસ લીધા હતા. વાકલ ગામમાં એક જ પરિવારના ચાર પિતરાઈ ભાઈના મોતથી ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માંડવી પોલીસ PI જયેશ વળવીના જણાવ્યા મુજબ અનુસાર, આ ઘટના 11 મેના રોજ બપોરના સમયે બની હતી. મૃતક યુવાનોના નામ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકોમાં બે સગા ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે: સાહિલ જિતેન્દ્ર ચૌધરી (સગો મોટો ભાઈ) કોશિક જિતેન્દ્ર ચૌધરી ગણેશ નાનસિંગ ચૌધરી પ્રવીણ બાલુ ચૌધરી કલાકોની જહેમત બાદ ચારેય યુવાનના મૃતદેહને બહાર કઢાયા ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ પીઆઈ જયેશ વળવી અને માંડવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગત સાંજે અંધારું અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી હતી, પરંતુ આજે વહેલી સવારથી ફરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના અને ફાયરના તરવૈયાઓની કલાકોની જહેમત બાદ ચારેય યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. માંડવી પોલીસે ચારેય મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે જળાશયો કે નહેરોના અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું સાહસ ન કરવું. ચોમાસા કે પાણીની આવક વધુ હોય ત્યારે કિનારાથી દૂર રહેવું. ઘટના 2 : ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં 9 ડૂબ્યાં, એક સગીર અને એક યુવકનું મોત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એક દુઃખદ ઘટના બની છે. ગામના તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ યુવકો અમદાવાદથી માતાજીના માંડવે આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કુલ 9 જેટલા યુવકો ગાજણવાવ ગામે માતાજીના માંડવામાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ ગામના તળાવમાં નાહવા પડ્યા હતા. નાહવા પડેલા 9 યુવકોમાંથી 7 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક અને એક સગીર પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવકોની ઓળખ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મોહિત છાસીયા (ઉંમર 19 વર્ષ) અને રચિત દિલીપભાઈ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 12 દિવસમાં 17થી વધુ જિંદગીઓ પાણીમાં ગરકાવ પંચમહાલની મેસરી નદી હોય, સાવલીનું ઝવેરીપુરા કે ઊંઝાનું સરોવર દરેક સ્થળે યુવાનોએ અકાળે જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં હાલોલના દેવ ડેમમાં હોડી પલટી જવાની દુર્ઘટના અને વડોદરાના નંદેસરી પાસે બીચ પર નહાવા પડેલા યુવકોના મોત જેવી ઘટનાઓએ ચીમકી આપી છે કે, પાણી સાથેની એક નાનકડી મજા ગણતરીની સેકન્ડોમાં જિંદગીની આખરી સજા બની શકે છે. રાજ્યમાં ક્યાંક પિકનિક લોહિયાળ બની છે તો ક્યાંક ખુશીના પ્રસંગો માતરમાં ફેરવાયા છે. રાજકોટના આજી ડેમમાં એકસાથે ચાર યુવાનોના મોતની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં નડિયાદના રસ્કા પાસે લગ્નના હરખમાં આવેલા કાકા-ભત્રીજાના કેનાલમાં ડૂબવાથી મોતે આખા પરિવારને શોકમાં ડૂબાડી દીધો છે. તેવી જ રીતે કપડવંજમાં નર્મદા કેનાલમાં આખેઆખો પરિવાર (પતિ-પત્ની અને બે બાળકી) ગરકાવ થઈ જવાની ઘટના રુંવાડા ઊભા કરી દે તેવી હતી. જામનગરના લાખોટા તળાવથી માંડીને રાજ્યના અન્ય ચેકડેમો અને કેનાલો અત્યારે 'મોતનો કૂવો' સાબિત થઈ રહ્યા છે. વહીવટી તંત્રની વારંવારની અપીલ અને ફાયર વિભાગની સતત દોડધામ છતાં, લોકોની બેદરકારી અને પાણીના ઊંડાણનો ખોટો અંદાજ ગુજરાતના અનેક પરિવારોના કુળદીપકોને કાયમ માટે બુઝાવી રહ્યો છે.
Read Original Article →