વાહનચાલકોમાં રોષ:સુરત-તાપી જિલ્લાને જોડતો બુટવાડા- બેડા રાયપુરા માર્ગ બિસ્માર

Gujarat4/10/2026, 12:00:00 AM
વાહનચાલકોમાં રોષ:સુરત-તાપી જિલ્લાને જોડતો બુટવાડા- બેડા રાયપુરા માર્ગ બિસ્માર
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના બુટવાડા થી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામને જોડતો અતિ ઉપયોગી માર્ગ હાલમાં પાયમાલ હાલતમાં ફેરવાઈ ગયો છે.લાંબા સમયથી સમારકામના અભાવે આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ​ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ માત્ર બિસ્માર જ નથી થયો, પરંતુ રોડની બંને બાજુની ધાર પણ પૂરેપૂરી તૂટી ગઈ છે જેને લઈ રોડ અડધો જ થઈ ગયો છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં વાહનો રોડની સાઈડે ધૂળિયા માર્ગમાં ઉતરી જાય છે, જેના કારણે નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોડની ખરાબ હાલતને લીધે વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થયો છે, જેનાથી વાહનચાલકો હવે તોબા પોકારી ઉઠ્યા છે. ​આ માર્ગ બે જિલ્લાના અંતરિયાળ ગામોને જોડતી મુખ્ય કડી સમાન છે. દૈનિક હજારો લોકો નોકરી-ધંધા અને ખેતીકામ માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. છતાં તંત્ર દ્વારા આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ​હાલમાં, આ વિસ્તારના રહીશો અને વાહનચાલકો એક સૂરે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવે જેથી જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે. જાનહાનિ થાય તે પહેલાં રિકાર્પેટિંગ કરાવો‎ રસ્તો એટલો ખરાબ છે કે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે.રોડની ધાર તૂટી અડધો થઈ ગયો છે.જેથી તંત્ર જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ રોડનું નવું કાર્પેટિંગ કરવામાં આવે તે જરૂરી છે. મહેશભાઈ પટેલ, સ્થાનિક ગ્રામજન
Read Original Article →