બારડોલી નજીક અકસ્માતમાં ભોગ બનેલાની ડરામણી આપવીતી:"અમારી સામે મૃત્યુ પામેલા લોકોને જોઈ રડી પડાયું", 7ના મોત, 9 ગંભીર ઇજાગ્રસ્ત; પીએમ મોદીની સહાયની જાહેરાત
સુરત જિલ્લામાં બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ એક CNG બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે હાઇવે પર ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બે બસ અને ટ્રેક્ટર વચ્ચે આ રીતે થયો અકસ્માત
બારડોલી ગ્રામ્ય પોલીસ ઇન્ચાર્જ પીઆઈ વિજય સેંજલે ભાસ્કર રિપોર્ટર મેહુલ ભરવાડ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ હાઇવે-53 પર બારડોલીના ઉવા ગામ નજીક સુરતથી ધૂળિયા જઈ રહેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઈ અને સામેના ટ્રેકમાં ઘૂસી ગઈ. સામેની સાઈડમાં ધૂળિયાના જામનેરથી સુરત જઈ રહેલ બસ અથડાઈ હતી. જામનેરથી સુરત જઈ રહેલી આ બસ પલટી મારી ગઈ અને સળગી ગઈ. પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર પણ પલટી મારીને રોડની નીચે ઉતરી ગયું હતું.
7ના મોત, ગંભીર ઇજાગ્રસ્ત 9 સુરત સિવિલ ખસેડાયા
બસમાં આગ લાગવાથી 7 લોકો અંદર જ સળગીને મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં 35થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી 26 ઇજાગ્રસ્તોને બારડોલીની સત્યાગ્રહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 9 લોકોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં.
હાઈવે પર 10 કિમીનો ટ્રાફિક જામ
ઘટનાસ્થળ પર ગયેલા ભાસ્કર રિપોર્ટર મેહુલ ભરવાડે જણાવ્યું કે ઘટના બાદ નેશનલ હાઇવે-53 પર આશરે 10 કિમીનો ટ્રાફિક જામ થયો હતો. 4-લેન હાઇવેની બંને બાજુ વાહનો ફસાયા હતા. પોલીસ અને ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. 'કંઈ વિચારવાનો સમય ન મળ્યો, પડતાની સાથે જ બસ સળગી ઉઠી' : ઈજાગ્રસ્ત મુસાફર
સુરત સિવિલમાં ભાસ્કર રિપોર્ટર સુનિલ પાલડીયા સાથેની વાતચીતમાં આ કાળમુખા અકસ્માતમાં આબાદ બચેલા અને ઈજાગ્રસ્ત થયેલા મુસાફર ગણેશ શિવાજી કુંભારે હોસ્પિટલના બિછાનેથી ધ્રુજતી આંગળીએ તે ડરામણી ક્ષણો યાદ કરતા જણાવ્યું હતું કે, ઘટના કેવી રીતે બની તેની કંઈ ખબર જ ન પડી. બસ ખૂબ જ સ્પીડમાં હતી અને બધા મુસાફરો અંદરોઅંદર વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક જોરદાર ધડાકો થયો અને ગાડી બેથી ત્રણ પલટી ખાઈ ગઈ. અમને કંઈ પણ વિચારવાનો સમય ન મળ્યો. જેવા અમે નીચે પડ્યા, એટલી જ વારમાં બસમાં ભયાનક આગ લાગી ચૂકી હતી. મુસાફરો એકબીજા પર પટકાયા હતા અને કોઈ ઊભું થઈ શકે તેમ નહોતું. જેને જેમ ફાવ્યું તેમ સંભાળીને બહાર નીકળ્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે બહાર નીકળ્યા કે તરત જ આગ એટલી ઝડપથી વધી ગઈ કે કોઈને અંદરથી બહાર કાઢવાનો સમય પણ ન મળ્યો. સદનસીબે અકસ્માતના થોડા સમય પહેલાં જ એક સ્ટોપ પર ઘણા મુસાફરો ઉતરી ગયા હોવાથી બસમાં 40 જેટલા લોકો હતા. હું, મારી પત્ની અને દીકરી 23-24 નંબરની પાછળની સીટ પર હતા. મારી પત્નીને હાથમાં ફ્રેક્ચર અને કમરમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે દીકરીનો બચાવ થયો છે. ‘પાછળથી બસે એવી ટક્કર મારી કે હું બેભાન થઈ ગયો’ : ટ્રેક્ટર ચાલક
અકસ્માતનો ભોગ બનેલા ટ્રેક્ટર ચાલક કિરીટે જણાવ્યું હતું કે, હું રોડની સાઈડમાં પાણીનું ટેન્કર લઈને જઈ રહ્યો હતો. એટલામાં પાછળથી આવેલી બસે મારા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે આખું ટ્રેક્ટર ગોથું ખાઈ ગયું અને મને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હું ત્યાં જ બેભાન થઈ ગયો. પાંચ મિનિટ પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે ખબર પડી કે આટલો મોટો અકસ્માત સર્જાયો છે. અમારી સામે મૃત્યુ પામેલા લોકોને જોઈ રડી પડાયું : ઇજાગ્રસ્ત ઝુબેર ઝાકીર શેખ
હું સુરતથી સોનગઢ જઈ રહેલી બસમાં સવાર સોનગઢના મુસાફર એ કહ્યુંઉ કે બસ પલટી ખાઈ ગઈ પછી આગ લાગી એ દ્રશ્યો અમારાથી જોવાતા નહોતા. હું પણ ચક્કર ખાઈને પડી ગયો હતો એટલે. મારી આખી પીઠમાં, કમરમાં અને પગમાં પણ બહુ તકલીફ થઈ રહી છે. છાતીમાં પણ માર વાગ્યો છે. અમારી બસમાં લગભગ વીસેક જણ તો હતા જ. મારી આગળ એક બહેન બેઠા હતા અમારા વાળા, એ બહેનનો એક છોકરો પણ હતો તેને આંખ પર પણ વાગ્યું છે. હું એ બહેનની પાછળ જ બેઠો હતો, મને સીટનો, બારીનો ફટકો વાગ્યો છે અને અમે બહુ જોરથી ફેંકાઈ ગયા હતા.બસ પલટી ખાઈ ગઈ પછી આગળથી તોડફોડ કરીને ગમે તેમ કરીને બહાર નીકળવું પડ્યું . બીજા લોકોએ પણ બિચારાએ તોડીને અમને બહાર કાઢ્યા. પાછળની બારી તો બહુ મોડી ખુલી હતી. અમારી સામે 6-7 લોકો મૃત્યુ પામ્યા છે એમને જોઈને અમારી આંખોમાંથી આંસુ આવી ગયા. અમને વાગ્યું હોવા છતાં અમે એમની મદદ ન કરી શક્યા. સુરત સિવિલ હોસ્પિટલ એલર્ટ: પૂરતો સ્ટાફ અને સુવિધાઓ તૈનાત
ભાસ્કર રિપોર્ટર સુનિલ પાલડીયા સાથેની વાતચીતમાં સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર લક્ષ્મણે જણાવ્યું હતું કે, બારડોલી હાઈવે પર થયેલા અકસ્માતમાંથી રીફર થઈને અત્યાર સુધીમાં 9 દર્દીઓ અહીં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓ ભાનમાં છે અને સ્ટેબલ છે. જોકે, આમાંથી પાંચ દર્દીઓને હેડ ઈન્જરી (માથામાં ઈજા) અને અલગ-અલગ જગ્યાએ ફ્રેક્ચર્સ થયા છે. સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટર્સ અને દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ઈજાગ્રસ્તોની સઘન સારવાર ચાલી રહી છે. દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારડોલી અકસ્માતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને ગુજરાતના સુરત જિલ્લામાં થયેલી દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી કામના કરી છે. આ આકસ્મિક આઘાત વચ્ચે વડાપ્રધાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ-PMNRFમાંથી પ્રત્યેક મૃતકના આશ્રિતોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો : બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા
Read Original Article →