વિજયનગરમાં ડાકણના વહેમમાં પરિવાર પર હુમલો, એકનું મોત:બે લોકો ઘાયલ; પાડોશીઓએ એકસંપ કરી માર માર્યો, પોલીસે 12 આરોપીને ઝડપી લીધા
વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામે ડાકણ હોવાના વહેમમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ મામલે ચિઠોડા પોલીસ અને LCB દ્વારા 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં મનુ રામજીભાઈ ડામોરનું મોત થયું હતું. ચિઠોડા પોલીસ અને LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના નવ દિવસ પહેલા, ગત 19 મેના રોજ સાંજના સુમારે બની હતી. ગાડીવાંકડા ગામના 12 જેટલા લોકોએ એકસંપ થઈ મનુ ડામોરની પત્ની ડાકણ હોવાનો વહેમ રાખી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મનુભાઈ અને તેમના દીકરાઓ વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો. આરોપીઓ મનુભાઈને તેમના ઘરેથી ખેંચીને ખેતર તરફ લઈ ગયા હતા. ખેતરમાં પહોંચ્યા બાદ આરોપીઓએ મનુ ડામોર પર કુહાડી વડે માથામાં હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં મનુભાઈના પુત્રો જીતેન્દ્ર ડામોર અને સતિષ ડામોરને પણ ઈજાઓ પહોંચી હતી. આ મામલે ગાડી વાંકડા ગામે રહેતા વસંત મનુભાઈ ડામોરે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સ્થળ તપાસ કરી હતી. ચિઠોડા પોલીસ અને LCBની ટીમે આઠ પુરુષ અને ચાર મહિલા સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વાલજી સળુજી ડામોર, જિજ્ઞેશ વાલજીભાઈ ડામોર, રોહિત કાંતિભાઈ ડામોર, જીવાજી સળુજી ડામોર, નગજી સળુજી ડામોર, હિરાજી સળુજી ડામોર, વિજય હિરાજી ડામોર, કાંતિ સળુજી ડામોર, સંગીતાબેન નગજીભાઈ ડામોર, અરૂણાબેન વાલજીભાઈ ડામોર, શારદાબેન કાંતિભાઈ ડામોર અને સિતાબેન હિરાજી ડામોરનો સમાવેશ થાય છે. આ તમામ ગાડી વાંકડા, વિજયનગરના રહેવાસી છે.
Read Original Article →