વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર 24 મેના રોજ મતદાન:ઉમેદવારના અવસાનના કારણે મોકૂફ ચૂંટણી ફરો યોજાશે, ભાજપ-કોંગ્રેસ-અપક્ષ 3 ઉમેદવારો મેદાનમાં
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠક પર ફરીથી ચૂંટણી યોજાશે. અગાઉ ઉમેદવારના અવસાનને કારણે આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે હવે આ બેઠક માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ચિતરીયા મતદાર વિભાગ માટે 24 મે, 2026ના રોજ મતદાન યોજાશે. મતગણતરી 26 મેના રોજ હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અંતર્ગત, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 15 હેઠળ, ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ઝોનલ અધિકારીઓને આ સત્તાઓ સોંપવામાં આવી છે. તેઓ કલમ-41, 108, 109, 148 અને 163 મુજબ મેજિસ્ટ્રેટની સત્તાઓનો ઉપયોગ કરી શકશે. આ સત્તાઓ માત્ર ચૂંટણી સંબંધિત કામગીરી માટે અને સંબંધિત અધિકારીને ફાળવવામાં આવેલા નિયત વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહેશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આ સત્તાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે. સત્તાના દુરુપયોગના કિસ્સામાં સત્તા પરત ખેંચી લેવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વિજયનગર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 9 ભાજપ, 3 AAP અને 5 બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી. 6-ચિતરીયા બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જેના પર હવે ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 6-ચિતરીયા બેઠક માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં છે: મનીષાબેન વનરાજભાઈ ડામોર (અપક્ષ), રમીલાબેન જયંતીભાઈ ઘોઘરા (ભાજપ) અને વર્ષાબેન લક્ષ્મણભાઈ ખરાડી (કોંગ્રેસ). આ બેઠક પર 24 મે 2026 ના રોજ ચૂંટણી માટેનું મતદાન યોજાશે જેમાં કુલ 4964 મતદારો (2481 પુરુષ અને 2483 સ્ત્રી) 6 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
Read Original Article →