વડાલીના બડોલની સીમમાં ડ્રોનની મદદથી ગાંજાનું ખેતી ઝડપી:SOGએ 20 કિલોથી વધુ ₹10 લાખના ગાંજાના 44 છોડ જપ્ત કર્યા, એકની ધરપકડ
સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરમાં છુપાવેલા નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 20.190 કિલોગ્રામ ગાંજો અને 44 છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 10.09 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ડ્રોન સર્વે બાદ કાર્યવાહી
જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે બડોલ ગામની સીમમાં સોમાજી પૂંજાજી મકવાણા નામના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું છે. બાતમીની ચોકસાઈ કરવા માટે પોલીસે પ્રથમ ડ્રોન દ્વારા ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. સર્વેમાં પુષ્ટિ મળ્યા બાદ શુક્રવારે SOG ની ટીમે ખેતરમાં દરોડો પાડ્યો હતો. એકની ધરપકડ, અન્યની શોધખોળ ચાલુ
પોલીસે સ્થળ પરથી ગાંજાના 44 છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન 20.190 કિલોગ્રામ નોંધાયું છે. આ મામલે પોલીસે બડોલ ગામના જતીન સોમાજી મકવાણાની અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ખેતર માલિક સોમાજી પૂંજાજી મકવાણાને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →