મોદીની અપીલની પાલિકામાં અસર:રોજિંદી સેવાઓના વાહનોમાં 25 ટકાનો કાપ મૂકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસ પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત વિવિધ રાજ્યોએ તેના પર અમલ કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે હિંમતનગર પાલિકામાં પણ તેની અસર શરૂ થઈ ગઈ છે અને રોજિંદી સેવાઓમાં ફરતા વાહનોની સંખ્યા 25 ટકા જેટલી ઘટાડવા, સિટીબસ માટે ઈ-વ્હીકલનો કોન્સેપ્ટ અપનાવવા અને ચીફ ઓફિસરે પોતે પણ શક્ય હોય ત્યાં સુધી ટૂ-વ્હીલરનો ઉપયોગ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. યુદ્ધને લઈ ક્રૂડ ઓઈલની અછતને કારણે સરકારી તિજોરીને ભારે નુકશાન થઈ રહ્યું હોવાથી અને વિદેશી હૂંડિયામણ બચાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.10 અને 11 સતત બે દિવસ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા અપીલ કરી હતી જેની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું કે શહેરના વિવિધ વોર્ડમાં રોજિંદી સેવાઓ માટે 65 જેટલા વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેના ઈંધણનો અંદાજે ત્રણ લાખ જેટલો ખર્ચ આવે છે. નજીક નજીકના વિસ્તારોનો સર્વે કરાઈ રહ્યો છે અને રોજિંદી સેવાઓમાં વિક્ષેપ ન પડે તેવી રીતે 25 ટકા જેટલા વાહનો ઘટાડી દેવાશે. તદુપરાંત અગાઉના સમયમાં જે સિટી બસ નવી લેવાવાની છે તેમાં બોર્ડની મંજૂરી થી ઈ-વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. હું પોતે પણ શક્ય બનશે ત્યાં સુધી ટૂ-વ્હીલરનો ઉપયોગ કરીશ. સરકારી કર્મચારી અધિકારી પ્રધાનમંત્રીની અપીલને અનુસરી રહ્યા છે ત્યારે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો કેટલો અમલ કરે છે તે જોવું પણ રસપ્રદ બની રહેવાનું છે. પૂર્વ પ્રમુખ લલ્લુભાઈ દેસાઈ અને ત્રણ મહિલા પ્રમુખોએ આવી સ્થિતિ ન હોવા છતાં પાલિકા પ્રમુખને મળતા વાહનનો ઉપયોગ કર્યો ન હતો. ચારેય પૂર્વ પ્રમુખો પોતાના વાહનનો જ ઉપયોગ કરતા હતા.
Read Original Article →