કામગીરીમાં વિલંબ:હિંમતનગરમાં કોર્ટ બિલ્ડીંગનું ચાર વર્ષથી ચાલતુ કામ પૂર્ણતાએ, કમ્પાઉન્ડ વોલની જગ્યાએ 11 kvની લાઈન હોવાથી વિલંબ થયો

Gujarat5/14/2026, 12:27:30 AM
હિંમતનગર ખાતે ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને સુવિધાજનક બનાવવા માટે નવીન કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ બિલ્ડીંગ અંદાજે રૂ. 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું કામ 29 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયપત્રક મુજબ, આ કામગીરી 28 માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાની હતી. જોકે નિર્માણ દરમિયાન ટેકનિકલ અને ભૌગોલિક મુશ્કેલીઓને કારણે કામગીરીમાં વિલંબ થયો છે. બિલ્ડીંગના નિર્માણમાં વિલંબ પાછળનું મુખ્ય કારણ સી બ્લોકમાં રેમ્પની કામગીરી ગણાવવામાં આવી છે. રેમ્પની બિલકુલ બાજુમાં જ UGVCLના ક્વાર્ટર્સ આવેલા હોવાથી, રેમ્પ માટે જરૂરી ખોદકામ કરવું અત્યંત મુશ્કેલ અને જોખમી હતું. બીજું જ્યાં કાઉમ્પાઉંડ વોલ કરવાની હતી ત્યાં 11 kvની લાઈન તથા ગટર લાયન હોવાથી કામમાં વિલંબ થયો છે. આ નવું કોર્ટ બિલ્ડીંગ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, આ આખું સંકુલ 7500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં કુલ 13,000 ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર સાથે કુલ પાંચ માળનું (G+4) છે. બિલ્ડીંગના દરેક માળ પર અંદાજે 40-40 રૂમ બનાવવામાં આવ્યા છે, એટલે કે સમગ્ર બિલ્ડીંગમાં કુલ 160 જેટલા રૂમ ઉપલબ્ધ હશે. મુલાકાતીઓ અને વકીલોની સુવિધા માટે બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 125થી 150 જેટલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત બિલ્ડીંગમાં સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સ રૂમ અને મોટા કાર્યક્રમો માટે સેમિનાર હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
Read Original Article →