હિંમતનગર રેલવે સ્ટેશન માર્ગે પાણી ભરાયું:સાબરકાંઠાના 7 તાલુકામાં કમોસમી વરસાદ, હિંમતનગર-તલોદમાં એક ઇંચ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 3 મિલીમીટરથી 26 મિલીમીટર સુધીના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંમતનગરમાં 24 કલાકમાં એક ઇંચ (24 મિલીમીટર) કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ગાયત્રી મંદિર પાસેની વિવિધ સોસાયટીઓ અને ટાવર ચોકથી પાંચ બત્તી થઈને રેલવે સ્ટેશન જવાના માર્ગે પાણી ભરાયા હતા. પાણીના નિકાલના અભાવે લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જિલ્લામાં 7 એપ્રિલ, મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, તલોદમાં 26 મિલીમીટર (એક ઇંચ), હિંમતનગરમાં 24 મિલીમીટર (એક ઇંચ), પ્રાંતિજમાં 13 મિલીમીટર, ઇડરમાં 10 મિલીમીટર અને વડાલીમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
Read Original Article →