તલોદના વરવાડામાં માસિક સ્વાસ્થ્ય, તમાકુ મુક્તિ જાગૃતિ કાર્યક્રમ:વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ, નો ટોબેકો ડે પૂર્વે જનજાગૃતિ અભિયાન

Gujarat5/12/2026, 12:13:26 PM
તલોદના વરવાડામાં માસિક સ્વાસ્થ્ય, તમાકુ મુક્તિ જાગૃતિ કાર્યક્રમ:વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ, નો ટોબેકો ડે પૂર્વે જનજાગૃતિ અભિયાન
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ (28 મે) અને વર્લ્ડ નો ટોબેકો ડે (31 મે) પૂર્વે વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત તલોદ તાલુકાના વરવાડા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયા અને તલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિનોદ મુંગડની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક સમજણ કેળવવાનો તેમજ યુવા પેઢીને તમાકુના જીવલેણ વ્યસનથી દૂર રાખવાનો છે. "સ્વચ્છતા, સ્વસ્થતા અને વ્યસનમુક્ત જીવન"ના સૂત્ર સાથે આરોગ્યપ્રદ સંદેશાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયાએ બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કિશોર-કિશોરીઓને માસિક સ્વાસ્થ્યને શરમ નહીં, પરંતુ સ્ત્રીત્વના ગૌરવ અને સ્વાભિમાનનો વિષય ગણાવ્યો. તેમણે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સંસ્કારના સમન્વયથી ઊર્જાવાન કિશોરાવસ્થાના નિર્માણ પર ભાર મૂક્યો. ડૉ. સુતરિયાએ યુવાનોને તમાકુના વ્યસનથી થતી ગંભીર હાનિઓ વિશે ચેતવણી આપી, સમાજ અને પરિવાર માટે પ્રેરણારૂપ બનવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે મે મહિના દરમિયાન સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા વિષયો પર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે તલોદ તાલુકા આરોગ્ય અધિકારી અને પુંસરી મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર અને કિશોર-કિશોરીઓ માટે શૈક્ષણિક તેમજ મનોરંજક રમતોનું આયોજન કરાયું હતું. આ રમતો દ્વારા માસિક સ્વચ્છતા, 'રેડ ડોટ ચેલેન્જ', પોષણયુક્ત આહાર, વ્યસનમુક્તિ અને હેન્ડવોશ જેવા મહત્વના વિષયો સરળતાથી સમજાવવામાં આવ્યા. કાર્યક્રમમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →