સાબરકાંઠામાં SOG, LCBએ બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:વિશ્વાસઘાત અને NDPS કેસના ફરાર આરોપીઓ પકડાયા

Gujarat5/26/2026, 3:08:11 AM
સાબરકાંઠામાં SOG, LCBએ બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:વિશ્વાસઘાત અને NDPS કેસના ફરાર આરોપીઓ પકડાયા
સાબરકાંઠા જિલ્લામાં પોલીસે નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. SOGએ વિશ્વાસઘાતના ગુનામાં ફરાર એક આરોપીને પકડ્યો, જ્યારે LCBએ NDPS કેસની વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી લીધી. આ ઉપરાંત, તલોદ પોલીસે મુધાસણા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સાબરકાંઠા SOGના I/C PI કે.યુ. ચૌધરીએ જણાવ્યું હતું કે, PSI પી.એમ. ઝાલા અને સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્ફાઝ અલીબેગ અબ્દુલબેગ મિર્ઝા (ઉં.વ. 28, રહે. સવગઢ, હિંમતનગર, મૂળ રહે. નાના કસબા, ઇડર) ને પાણપુર પાટિયા, ઇલોલ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ માહિતી આપતા જણાવ્યું કે, LCB ટીમ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓની તપાસ કરી રહી હતી. બાતમીના આધારે, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં ફરાર મહિલા આરોપી ધનીબેન જીતેન્દ્રભાઈ હરીભાઈ સલાટ (ઉં.વ. 42, રહે. છાપરિયા, હિંમતનગર, મૂળ રહે. રામેશ્વર તળાવ નજીક, ઇડર) ગાંધીનગરથી હિંમતનગર આવતી ST બસમાંથી મોતીપુરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપાઈ હતી. તેની પૂછપરછ બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. તલોદ પોલીસ સ્ટેશનના PI સી.જી. રાઠોડે જણાવ્યું કે, તલોદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મુધાસણા ગામમાં હરેશસિંહ બળદેવસિંહ રાઠોડના ઘર આગળ ખુલ્લી જગ્યામાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 291 નંગ બોટલો અને ટીન, જેની કિંમત રૂ. 53,679 થાય છે, તે જપ્ત કર્યા હતા. આરોપી હરેશસિંહ બળદેવસિંહ રાઠોડ (ઉં.વ. 25, રહે. મુધાસણા, ડેરીવાસ) ને ઝડપી પાડી તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →