સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્રો ભરાયા:રીનાબેન પટેલ અને દીવાનજી ઠાકોરે મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે વરણી

Gujarat5/22/2026, 11:16:06 AM
સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્રો ભરાયા:રીનાબેન પટેલ અને દીવાનજી ઠાકોરે મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે વરણી
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા છે. આવતીકાલે શનિવારે બપોરે 12 વાગ્યે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાનારી સામાન્ય સભામાં તેમની વરણી થશે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે હોદ્દેદારોના મેન્ડેટ જાહેર કર્યા હતા. જેમાં ખેડબ્રહ્માના ઊંચી ધનાલના રીનાબેન પટેલ (ચૌધરી)ને પ્રમુખ પદ માટે અને ઈડરના જાદરના દીવાનજી ઠાકોરને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ અપાયા છે. આ બંને ઉમેદવારોએ પોતાના પત્રો ભર્યા છે. આ ઉપરાંત, પ્રાંતિજના મોયદ ગામના રાજેશભાઈ પટેલને કારોબારી અધ્યક્ષ, હિંમતનગરના વિરાવાડાના હિમાંશુભાઈ નિનામાને પક્ષના નેતા અને વિજયનગરના મયુરભાઈ શાહને દંડક તરીકેના મેન્ડેટ આપવામાં આવ્યા છે. આ વરણીમાં ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાને મહત્વ અપાયું છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપ પાસે 28 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) પાસે 3-3 બેઠકો છે. અગાઉની ચૂંટણીમાં 36 બેઠકોમાંથી ભાજપને 30 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. બીજી તરફ, સાબરકાંઠાની આઠ તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણી માટે 25 મેના રોજ સામાન્ય સભા યોજાશે. જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની જેમ તાલુકા પંચાયતોના હોદ્દેદારોના મેન્ડેટ પણ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.
Read Original Article →