સાબરકાંઠામાં માસિક સ્વચ્છતા જાગૃતિ અભિયાન:આરોગ્ય શાખાએ 'માસિકોત્સવ' દ્વારા કિશોરીઓને માર્ગદર્શન આપ્યું
સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા મે મહિના દરમિયાન 'માસિકોત્સવ' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (28 મે) નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓ અને યુવતીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો અને સબ સેન્ટરો ખાતે કિશોરીઓ તથા યુવતીઓ માટે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. માસિકોત્સવને વધુ અસરકારક બનાવવા માટે સપ્તાહના દિવસો મુજબ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ મુજબ, દર સોમવારે આયુષ્માન આરોગ્ય મંદિરો, મંગળવારે સબ સેન્ટરના ગામો અને બુધવારે ગૌરવી દિવસ પર કાર્યક્રમો યોજાયા હતા. શુક્રવારે આરોગ્ય ટીમો અંતરિયાળ, ડુંગરાળ, શહેરી સ્લમ, GIDC, ખેતરો, ઈંટોના ભઠ્ઠા અને મજૂર વસાહતો જેવા 'હાર્ડ ટુ રિચ' વિસ્તારોમાં પહોંચી સેવાઓ પૂરી પાડી હતી. આ અભિયાનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ, ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારીઓ અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK)ના કાઉન્સેલરોએ ભાગ લીધો હતો. તેમણે કિશોરીઓ અને યુવતીઓને માસિક દરમિયાન સ્વચ્છતા, યોગ્ય પોષણ, નિયમિત તબીબી તપાસ અને માનસિક સ્વસ્થતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમોમાં રમતો, પ્રશ્નોત્તરી અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા સંવેદનશીલ વિષયને સરળ અને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો, જેથી યુવતીઓ મુક્તપણે ચર્ચા કરી શકે. તેમને વ્યક્તિગત સ્વચ્છતા, સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ, આયર્ન અને પોષક તત્વોથી ભરપૂર આહારનું મહત્વ, એનિમિયાથી બચવા સમયસર તપાસ, માસિક સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ અભિયાન માત્ર આરોગ્ય જાગૃતિ પૂરતું સીમિત ન રહેતા, કિશોરીઓમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને પોતાના શરીર પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં પણ મદદરૂપ થયું હતું.
Read Original Article →