સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે EVM ફાળવણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે તૈયારીઓ પૂર્ણ
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ એક નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે EVMની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 15 ટકા રિઝર્વ EVM (10 ટકા રિઝર્વ અને 5 ટકા નિદર્શન માટે) સાથે જિલ્લા મથક હિંમતનગરથી દરેક તાલુકા મથકે મશીનો મોકલી દેવાયા છે. જિલ્લા ચૂંટણી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ માટે જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. હિંમતનગરથી EVM સુરક્ષિત રીતે ટ્રકના કન્ટેનરમાં મૂકીને તાલુકા મથકોએ પહોંચાડી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતની 170 બેઠકો અને જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે EVMની ફાળવણી કરાઈ છે. જિલ્લામાં કુલ 1210 મતદાન મથકો પર 2420 કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) ફાળવાયા છે. જેમાં 10 ટકા રિઝર્વ અને 5 ટકા નિદર્શનના મળી કુલ 363 CU અને BUનો સમાવેશ થાય છે, આમ કુલ 2783 CU અને BUની ફાળવણી થઈ છે. આ ઉપરાંત, હિંમતનગર, વડાલી અને ઇડર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે પણ EVM ફાળવાયા છે. 26 વોર્ડની 96 બેઠકો માટે 137 મતદાન મથકો પર 137 CU અને 274 BU ફાળવવામાં આવ્યા છે. 15 ટકા રિઝર્વમાં 22 CU અને 43 BUનો સમાવેશ થાય છે, જેથી કુલ 159 CU અને 317 BUની ફાળવણી કરવામાં આવી છે.
Read Original Article →