LCBએ જશાજીની મુવાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:વિદેશી દારૂ અને ફ્રિજ સહિત ₹5.89 લાખનો મુદ્દામાલ જપ્ત, બે સામે ગુનો દાખલ
સાબરકાંઠા LCB ટીમે તલોદ તાલુકાના જશાજીની મુવાડી ગામે દરોડા પાડીને બે શખ્સોના ઘર અને ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ, બિયર અને એક રેફ્રિજરેટર સહિત કુલ ₹5,89,613 નો મુદ્દામાલ જપ્ત કરી તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. LCB PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, LCB ટીમ હરસોલ-દહેગામ હાઈવે રોડ પર પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન પોલીસકર્મી રાજેન્દ્રકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, જશાજીની મુવાડી ગામના ભારતસિંહ જેઠુસિંહ ઝાલા અને રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવીને ઘર નજીક તળાવની આસપાસના ખેતરો તથા ઓરડીઓમાં સંતાડે છે અને ત્યાંથી થોડો-થોડો દારૂ ઘરે લાવીને વેચે છે. ઘર અને ખેતરની ઓરડીમાંથી મળ્યો જથ્થો બાતમીના આધારે LCB ટીમે ભારતસિંહ અને રાજદીપસિંહના રહેણાંક ઘરે તપાસ કરતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની 43 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹26,473 થાય છે. ત્યારબાદ, જશાજીની મુવાડી ગામના તળાવની આસપાસના ખેતરો અને ઓરડીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોરિયા બેચરાજી ગામની સીમમાં આવેલા ભારતસિંહના ખેતરની ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1811 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹5,53,140 આંકવામાં આવી છે. આ ઓરડીમાંથી દારૂ ઠંડો કરવા માટે વપરાતું ₹10,000 ની કિંમતનું એક બ્લુ કલરનું વ્હર્લપૂલ કંપનીનું ફ્રિજ પણ ચાલુ હાલતમાં મળી આવ્યું હતું. આ શખ્સો સામે નોંધાયો ગુનો (પકડવાના બાકી આરોપીઓ): ભારતસિંહ જેઠુસિંહ ઝાલા (રહે. જશાજીની મુવાડી, તા. તલોદ, જિ. સાબરકાંઠા) રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા (રહે. જશાજીની મુવાડી, તા. તલોદ, જિ. સાબરકાંઠા) પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →