સાબરકાંઠા LCBએ ચોરીના સામાન સાથે બે શખસ ઝડપ્યા:સાડા ત્રણ વર્ષ પહેલા નવાનગર આરોગ્ય કચેરીમાં ચોરી કરી હતી
સાબરકાંઠા LCB એ હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ સાડા ત્રણ વર્ષ પહેલા વડાલીના નવાનગર સ્થિત આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. LCB એ બંનેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. LCB ટીમ હિંમતનગરથી ઇડર તરફ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાણધા રેલ્વે ફાટક પાસે દેવરાજભાઈ અને રાજેન્દ્રકુમારને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, નવાનગર ગામના અજયકુમાર અશોકભાઈ થોરી અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકીએ સાડા ત્રણ વર્ષ પહેલા નવાનગર આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટરની ચોરી કરી હતી અને હાલ તેઓ ચોરીનો સામાન થેલામાં લઈને વીરપુર બાયપાસ રોડ પાસે ઊભા છે. બાતમીના આધારે, LCB ટીમે ઘટનાસ્થળે પહોંચી અજયકુમાર અશોકભાઈ થોરી (ઉં.વ. ૨૧) અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકી (ઉં.વ. ૨૩), બંને રહે. નવાનગર, તા. વડાલી, જિ. સાબરકાંઠાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કોમ્પ્યુટરના મોનિટર, સીપીયુ, પાણીની નાની મોટર અને પ્રિન્ટર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે અને તેમના ગામના કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ (જે હજુ ફરાર છે) એમ ત્રણેયે મળીને સાડા ત્રણ વર્ષ પહેલા રાત્રીના સમયે પોતાના ગામની આરોગ્ય કચેરીમાંથી બે કોમ્પ્યુટરનો સામાન અને એક પાણીની નાની મોટર ચોરી કરી હતી. આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના આ ગુનામાં LCB એ એક ઇલેક્ટ્રિક પાણીની નાની મોટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર મોનિટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર સીપીયુ, બે માઉસ અને એક નાનું પ્રિન્ટર સહિત કુલ ૪૨,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ: ૧. અજયકુમાર અશોકભાઈ પુંજાભાઈ થોરી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. ૨. ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ મણાભાઈ સોલંકી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. પકડવાનો બાકી આરોપી: ૧. કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી.
Read Original Article →