જૈન મંદિરોમાંથી ચોરી કરતી દાહોદ ગેંગના ત્રણ પકડાયા:LCBએ ₹2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બોલુન્દ્રા નજીકથી ઝડપાયા

Gujarat5/23/2026, 2:22:57 PM
જૈન મંદિરોમાંથી ચોરી કરતી દાહોદ ગેંગના ત્રણ પકડાયા:LCBએ ₹2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બોલુન્દ્રા નજીકથી ઝડપાયા
સાબરકાંઠા LCB એ ઈડર તાલુકાના બોલુન્દ્રા નજીકથી દાહોદ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ જૈન મંદિરોમાંથી મૂર્તિઓ અને ઘરેણાંની ચોરી કરતી હતી. પોલીસે તેમની પાસેથી રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચાર વાહનો, રૂ. 1 લાખની પ્રાચીન મૂર્તિઓ અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. LCB PI ડી.સી. સાકરીયાએ આપેલી માહિતી મુજબ, ગત 11 મેની રાત્રે ઈડર તાલુકાના પોશીના ગામે આવેલા પાશ્વનાથ જૈન દેરાસરમાંથી આશરે રૂ. 1.25 લાખની ત્રણ પંચધાતુની પ્રતિમાઓ ચોરાઈ હતી. આ ઉપરાંત, દેરાસર પાછળ આવેલા પદમાવતી માતાના મંદિરના ભંડારામાંથી રૂ. 2 હજાર રોકડા અને રૂ. 25 હજારની એક પંચધાતુની મૂર્તિની પણ ચોરી થઈ હતી, જે અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCB એ ચોરી થયેલા વિસ્તારના CCTV ફૂટેજ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને ખાનગી બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. LCB સ્ટાફે એક એક્શન પ્લાન બનાવી જાદર, ઈડર અને બડોલી રોડ પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વોચ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઈડર તાલુકાના બોલુન્દ્રા તરફ એક એક્ટિવા અને સ્પોર્ટ બાઈક પર કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે એક્ટિવા (નં. GJ.20.BL.4349), બાઈક (નં. GJ.20.BP.3200) અને અન્ય એક બાઈક (નં. GJ.31.AD.7663) પર સવાર ત્રણ વ્યક્તિઓને રોક્યા હતા. તેમની ઓળખ દાહોદ જિલ્લાના ચૌડિયા પટેલ ફળીમાં રહેતા શનુ શંકરભાઈ માવી, જાડા પરકાર ફળીમાં રહેતા રાજુ કકડીયા બીજીયા પરમાર અને ઝાલોદ તાલુકાના ગરાડુ ફળિયામાં રહેતા દેવા ગલજી મછાર તરીકે થઈ હતી. કડક પૂછપરછ દરમિયાન, દાહોદ ગેંગના આ ત્રણેય સભ્યોએ રાજસ્થાનના ઉદયપુરથી ચોરી કરેલું બાઈક (નં. RJ.27.BD.5118) પણ કબૂલ્યું હતું. LCB એ ત્રણેય આરોપીઓને રૂ. 2.90 લાખની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમણે ચિલોડા પાસેના ધણપ ગામના જૈન મંદિરમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેયને જાદર પોલીસને સોંપ્યા છે.
Read Original Article →