હિંમતનગરમાં રૂ. 74 કરોડના ખર્ચે ન્યાય મંદિરનું લોકાર્પણ:સાબરકાંઠામાં 10 વર્ષથી જૂના માત્ર 55 કેસો જ પેન્ડિંગ, 18 કોર્ટ કાર્યરત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે રૂ. 74 કરોડના ખર્ચે નૂતન જિલ્લા ન્યાય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા તથા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ અને સાબરકાંઠા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ હિંમતનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ સંબોધનમાં સાબરકાંઠા જિલ્લાની ન્યાયિક કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યની અન્ય કોર્ટની સરખામણીએ સાબરકાંઠામાં 10 વર્ષથી જૂના માત્ર 55 કેસો જ પેન્ડિંગ છે. શિક્ષણ મંત્રી અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ ન્યાયતંત્રની સુચારુ વ્યવસ્થા માટે સુવિધાસભર મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં હાલ કુલ 23 ન્યાયિક અધિકારીઓ કાર્યરત છે. જિલ્લાની તમામ અદાલતોમાં કુલ 22,590 કેસો પેન્ડિંગ છે. સમગ્ર ગુજરાતભરની અદાલતોની સરખામણીએ સાબરકાંઠા કોર્ટે સક્રિયતા દાખવીને 10 વર્ષથી જૂના કેસોનો મહત્તમ નિકાલ કર્યો છે, જેના પરિણામે જિલ્લામાં 10 વર્ષથી જૂના માત્ર 55 કેસો જ બાકી રહ્યા છે. અંદાજિત રૂ. 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન સંકુલમાં એકસાથે 18 કોર્ટો કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. તેમાં વિશાળ સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ, લોક અદાલત રૂમ, મીડિયેશન સેન્ટર, વકીલો માટે બાર રૂમ, ઘોડિયાર ઘર, સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર, દિવ્યાંગો માટે રેમ્પ અને આધુનિક વીડિયો કોન્ફરન્સિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાથી પોલીસ અને ડોક્ટર જેવા સાક્ષીઓ પોતાની ફરજના સ્થળેથી જુબાની આપી શકશે. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરૂણા કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિત વકીલો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
Read Original Article →