સાબરકાંઠા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત:રીનાબેન પટેલ પ્રમુખ, દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા

Gujarat5/23/2026, 11:51:33 AM
સાબરકાંઠા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત:રીનાબેન પટેલ પ્રમુખ, દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા
સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં રીનાબેન પટેલ પ્રમુખ અને દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા છે. હિંમતનગર સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી લલિતનારાયણ સિંહ સાંદુની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે માત્ર 2 જ ઉમેદવારીપત્રો ભરાયા હોવાથી બંને હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાની આગિયા જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા રીનાબેન પટેલ (ચૌધરી) પ્રમુખ બન્યા છે, જેઓ ઊંચી ધનાલ ગામના રહેવાસી છે. જ્યારે ઇડર તાલુકાની જાદર જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા છે, જેઓ ઇડરના રહેવાસી છે. ચૂંટણી પરિણામો અને પક્ષનું માળખું સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની કુલ 34 બેઠકોમાંથી ભાજપને 28 બેઠકો મળતા સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે કોંગ્રેસને 3 અને અન્યને 3 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ભાજપ સંગઠન દ્વારા શનિવારે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરાઈ છે: કારોબારી અધ્યક્ષ: રાજેશ પટેલ પક્ષના નેતા: હિમાંશુ નીનામા દંડક: મયુર શાહ શુભેચ્છાઓનો વરસાદ સત્તાવાર જાહેરાત બાદ ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિતનારાયણ સિંહ સાંદુ તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) એચ.પી. પટેલે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સંગઠન પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ પટેલ સહિતના ચૂંટાયેલા સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ફૂલછડી આપી અભિનંદન પાઠવ્યા હતા.
Read Original Article →