વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગર, નવાનગરમાં વૃક્ષારોપણ:પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને નવાનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. હિંમતનગર નગરપાલિકા દ્વારા ગાયત્રી મંદિર પાસે આવેલા મોદી ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં ગુલમોહર, બદામ, ભદ્રાક્ષ, લીમડો, ગુંદી સહિતના 250 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ અરૂણાબેન કડિયા અને નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગર તાલુકાના ખેડ ગ્રામ પંચાયતમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત આસપાસ અને નાગરાણી વાવ નજીક સરપંચ, સદસ્યો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના નવાનગર ગામના તળાવ કિનારે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના' ઉજવણીના ભાગરૂપે પદાધિકારીઓ અને અધિકારીઓએ 12-12 રોપાઓનું વાવેતર કર્યું હતું. અહીં વડ, રાયણ, લીમડો, અર્જુન સાગર, ભદ્રાક્ષ સહિતના 100 સ્વદેશી રોપાઓનું વૃક્ષારોપણ કરાયું હતું. નવાનગર ખાતેના વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાઝા, સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, કલેક્ટર લલિતનારાયણ સિંધ સાદું અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →