સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા તેજ:આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાયા

Gujarat4/9/2026, 12:44:45 PM
સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા તેજ:આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાયા
સાબરકાંઠા જિલ્લામાં યોજાનારી આઠ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક પાલિકાની પેટાચૂંટણી તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવાર સુધીમાં આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાઈને પરત આવ્યા છે. જ્યારે છેલ્લા ચાર દિવસમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે 835 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. ચૂંટણી શાખાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, તલોદ, પ્રાંતિજ, વડાલી અને પોશીના તાલુકા પંચાયતની બેઠકો માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધીમાં 43 ઉમેદવારોએ 82 ઉમેદવારી પત્રો ભરીને સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાની 44 બેઠકો માટે ગુરુવારે 5 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઇડર નગરપાલિકામાં 1 ઉમેદવારી પત્ર ભરાયું છે, જ્યારે વડાલી નગરપાલિકામાં ગુરુવાર સુધી એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. પ્રાંતિજ નગરપાલિકાની ખાલી પડેલી એક બેઠક માટે અત્યાર સુધીમાં 1 ઉમેદવારી પત્ર ભરાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા શુક્રવારે પક્ષના મેન્ડેટની ફાળવણી થવાની શક્યતા છે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએ 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરાઈ જશે, જે અંતિમ તારીખ છે. અપક્ષો અને માન્ય પક્ષોના ઉમેદવારો આ સમયગાળામાં ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પૂર્ણ કરશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે પણ નગરપાલિકાઓ અને આઠ તાલુકા પંચાયતોની ચૂંટણી સાથે જ મતદાન થવાનું છે. ગુરુવારે 16 અને તે પહેલા 7 એપ્રિલે 1 મળીને અત્યાર સુધીમાં કુલ 17 ઉમેદવારી પત્રો ભરાયા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં 250 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે.
Read Original Article →