સાબરકાંઠામાં 840 મેડિકલ સ્ટોર બંધ:ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં કેમિસ્ટોની હડતાળ, આવેદનપત્ર અપાયું
ઓલ ઈન્ડિયા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાન પર આજે દેશભરમાં કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાળ પાડી હતી. ઓનલાઈન દવાઓના વેચાણ અને નિયમોના ઉલ્લંઘનના વિરોધમાં આ બંધનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં 840 મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. જિલ્લાના કેમિસ્ટોએ વિરોધ નોંધાવી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જોકે, દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તાલુકા મથકે 1 થી 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઇસન્સ વગર નશીલી દવાઓનું વેચાણ થતું હોવાનો વિરોધ કરાયો હતો. આ ઉપરાંત, ગ્રાહકોને દવાઓના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવા અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ડિસ્કાઉન્ટ કરતાં વધુ છૂટછાટ આપી દવાઓ વેચવામાં આવતી હોવાના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. હોસ્પિટલોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
Read Original Article →