સાબરકાંઠામાં કેન્સર સ્ક્રીનિંગ અભિયાન:80 ગામના 3500 લોકોની તપાસ, 136 શંકાસ્પદ કેસ મળ્યા
સાબરકાંઠા જિલ્લામાં કેન્સર જેવી ગંભીર બીમારીના વહેલા નિદાન માટે એક મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય શાખા-સાબરકાંઠા જિલ્લા પંચાયત, હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આ નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર, 2025 થી અત્યાર સુધીમાં જિલ્લાના લગભગ 80 અંતરિયાળ ગામોમાં વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ગ્રામજનોને તેમના ઘર આંગણે જ નિ:શુલ્ક તપાસ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3500 થી વધુ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે. આ અભિયાન અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્ક્રિનિંગ અને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં 1543 મહિલાઓની ગર્ભાશયના મુખના કેન્સર માટે 'VIA ટેસ્ટ', 2698 મહિલાઓની સ્તન કેન્સર માટે તપાસ અને 1502 ગ્રામજનોની મોઢાના કેન્સર માટે તબીબી ચકાસણી કરવામાં આવી હતી. આ વ્યાપક સ્ક્રીનિંગના પરિણામે 136 શંકાસ્પદ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ દર્દીઓના વધુ પરીક્ષણ બાદ તેમાંથી 6 દર્દીઓમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. સમયસર નિદાન થતાં જ આ તમામ 6 દર્દીઓ માટે તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા 14 થી 15 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. જે કિશોરીઓએ આ રસી ન લીધી હોય, તેમના વાલીઓને નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને રસી અપાવવા વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →