સાબરકાંઠાના 6 આયુષ્માન કેન્દ્રોને NQAS પ્રમાણપત્ર મળ્યું:કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગુણવત્તાનું સન્માન
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. જિલ્લાના રાજ્પુર, મૌછા, પેઢમાલા, મોયદ-બ, ઉંચીધનાલ અને ભાંભુડી આયુષ્માન આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 6 કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS)નું પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, સ્ટાફની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, રેકોર્ડ મેનેજમેન્ટ અને દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા કડક માપદંડોના ગહન મૂલ્યાંકન બાદ આપવામાં આવે છે. પ્રાંતિજ તાલુકાના મૌછા આયુષ્માન આરોગ્ય મંદિરને વર્ચુઅલ અને ફિઝિકલ એસેસમેન્ટમાં રેકોર્ડબ્રેક 98.84 ટકાનો સ્કોર પ્રાપ્ત થયો છે, જે જિલ્લા માટે ગર્વ સમાન છે. આ નવીન સિદ્ધિ સાથે જ સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. આમાં 95 આયુષ્માન આરોગ્ય મંદિર, 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 1 અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે. નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન દર્દી સેવાના મૂલ્યને સાકાર કરે છે, જ્યાં રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર સમયબદ્ધ સેવા, દર્દી સુરક્ષા અને દરેક નાગરિકને સન્માન, સંવેદના તેમજ વિશ્વાસ સાથે સારવાર આપવાનો અભિગમ જાળવવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વર્ષ 2026-27 સુધીમાં વધુ 52 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સફળતા બદલ જિલ્લા આરોગ્ય તંત્રની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Read Original Article →