સાબરકાંઠા-અરવલ્લીમાં રવિવારે પણ આધાર અપડેટ સુવિધા:નાગરિકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો રવિવારે સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારો કરાવવો હવે વધુ સરળ બનશે. હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસ અને મોડાસા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેના આધાર કેન્દ્રો રવિવારે પણ કાર્યરત રહેશે. આ નિર્ણય નાગરિકોને વધુ સુવિધા પૂરી પાડવા માટે લેવામાં આવ્યો છે. નોકરિયાત વર્ગ તેમજ અન્ય નાગરિકોને કામકાજના દિવસોમાં સમય કાઢવામાં મુશ્કેલી પડતી હોય છે. તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય ટપાલ વિભાગ દ્વારા હવે રવિવારે પણ આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ આધાર કેન્દ્રો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8:00 થી રાતના 8:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સેવાઓ પૂરી પાડવામાં આવશે. સાબરકાંઠા પોસ્ટલ ડિવિઝન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રવિવારની આ વિશેષ સુવિધાનો વધુમાં વધુ લાભ લે. નાગરિકો નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી, બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ અપડેટ જેવી સેવાઓનો લાભ લઈ શકશે.
Read Original Article →