નીટ પરીક્ષા રદ: સાબરકાંઠાના 1963 વિદ્યાર્થીઓ ફરી આપશે:પેપર લીક થતા મંગળવારે નિર્ણય લેવાયો, નવો કાર્યક્રમ જાહેર થશે
દેશભરમાં ગત 3 મેના રોજ યોજાયેલી નીટ (NEET) પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી છે. મંગળવારે આ અંગે નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના પગલે સાબરકાંઠા જિલ્લામાં નીટની પરીક્ષા આપનાર 1963 વિદ્યાર્થીઓને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 3 મેના રોજ સાબરકાંઠાના હિંમતનગરમાં પાંચ પરીક્ષા કેન્દ્રો પર વહીવટી તંત્રની પૂરતી તૈયારીઓ સાથે નીટની પરીક્ષા લેવામાં આવી હતી. જિલ્લામાં અગાઉ લગભગ 2005 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી હતી. તા. 3 મેના રોજ યોજાયેલી નીટની આ પરીક્ષામાં આદર્શ હાઈસ્કૂલ પાણપુર કેન્દ્રમાં 466, પોલીટેકનિકમાં 343, હિંમત હાઈસ્કૂલમાં 586, જૈનાચાર્ય હાઈસ્કૂલમાં 212 અને મહેતાપુરામાં આવેલ પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં 356 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જોકે, પાંચેય કેન્દ્રો પર લેવાયેલી નીટની પરીક્ષામાં કુલ 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નીટની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કરાયો હોવાથી વિદ્યાર્થીઓને ફરીથી સફળ થવા માટે વધુ મહેનત કરવી પડશે. આગામી દિવસોમાં નીટની પરીક્ષા લેનાર એજન્સી નવો કાર્યક્રમ જાહેર કરશે.
Read Original Article →