સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:LCB એ 9 ગુનાનો ભેદ ઉકેલી અમદાવાદ અને ગાંધીનગરના 6 આરોપીને પકડ્યા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સક્રિય પશુ ચોરી કરતી ગેંગનો સાબરકાંઠા LCBએ પર્દાફાશ કર્યો છે. તલોદના ઉજેડીયા-હરસોલ રોડ પર નવા ગામ સ્ટેન્ડ નજીકથી એક બંધ વાહન સાથે છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આપેલી માહિતી મુજબ, આ છ શખ્સો પ્રાંતિજ, તલોદ સહિત અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે બંધ વાહનો લઈને આવતા હતા. તેઓ ઘર આગળ અથવા ખેતરમાં બાંધેલા પશુઓને નિશાન બનાવી ચોરી કરતા હતા. LCBને મળેલી બાતમીના આધારે તલોદ પોલીસ સ્ટેશન હદમાં આવેલા નવા ગામ સ્ટેન્ડ નજીકના પુલના છેડે વોચ ગોઠવવામાં આવી હતી. GJ.13.AB.3683 નંબરના વાહનને રોકી તપાસ કરતા તેમાં છ શખ્સો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ પશુ ચોરી કરવા નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ₹10,000થી વધુના ત્રણ મોબાઈલ ફોન, એક છરો, રસ્સી અને ₹5 લાખની કિંમતનું વાહન જપ્ત કર્યું હતું. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે તલોદ પોલીસ સ્ટેશન મોકલી અપાયા છે. તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના યુવાનોનો સમાવેશ થાય છે: 1. ઈકબાલહુસેન યુસુફભાઈ રીયાઝહુસેન સૈયદ (ઉ.વ.35), અમદાવાદ. 2. ઈરફાન ઉર્ફે ટોળી ઈસ્તીયાકભાઈ બત્તા કુરેશી (ઉ.વ.49), અમદાવાદ અને ગોમતીપુર (મધ્યપ્રદેશ). 3. સાહીલખાન શરીફખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.24), અમદાવાદ. 4. સંજયકુમાર મફાભાઈ ખોડાભાઈ દેવીપુજક (ઉ.વ.30), દહેગામ, ગાંધીનગર. 5. આરીફભાઈ ઉર્ફે કાલુ ફીરોજભાઈ ફજરેદ્દીન સિપાઈ (ઉ.વ.22), દહેગામ, ગાંધીનગર. 6. સદ્દામખાન મોહમદખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.22), અમદાવાદ. આ ગુનામાં અન્ય બે આરોપીઓ મહમદ બિલાલ ઉર્ફે સમીર ઉર્ફે બટકો હનીફભાઈ કુરેશી (અમદાવાદ) અને મુસ્તકિમ ઉર્ફે ખચકો અયુબભાઈ સિપાઈ (દહેગામ, ગાંધીનગર) ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →