Live Updates

તું જતી રહે નહીં તો જીવતી રહેવા દઈશું નહીં‎:પ્રાંતિજમાં પરસ્ત્રી સાથે આડા સંબંધો છૂપાવવા પતિએ પત્નીને તગેડી મૂકી

Gujarat5/22/2026, 12:00:00 AM
પ્રાંતિજના ભડાકીયામાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોનો વિરોધ કરનાર પરિણીતાને સાસરિયાંઓએ શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરને તાળું મારી બહાર કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનાર મહિલાએ પ્રાંતિજ પોલીસમાં પતિ, સાસુ, સસરા, દિયર, દેરાણી સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૂળ લીમલાના અને હાલ ભડાકીયા ગામે રહેતા જોત્સનાબેન સોલંકીના લગ્ન આશરે 22 વર્ષ પહેલાં રણજીતસિંહ રાધુસિંહ સોલંકી સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. તેમને સંતાનમાં યુવાન દીકરો અને એક દીકરી છે. પતિ રણજીતસિંહ યુજીવીસીએલમાં નોકરી કરે છે. જોત્સનાબેનને શંકા હતી કે પતિને હિંમતનગરની એક સ્ત્રી સાથે આડા સંબંધો છે. ખાતરી કર્યા પછી તેમણે પતિ અને સાસરિયાંઓને પૂછ્યું. ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું કે અમારે તે સ્ત્રીને લાવવાની છે. તું અહીંથી જતી રહે નહીં તો જીવતી રહેવા દઈશું નહીં. જોત્સનાબેનના જણાવ્યા મુજબ છેલ્લા સાતેક વર્ષથી સાસરિયાઓ નાની-નાની વાતે મેણાં-ટોણાં મારતા હતા. ઘરકામ બાબતે ઝઘડા કરતા હતા. તા. 25-03-26ના રોજ સાંજે નોકરીથી પરત આવેલા પતિએ કહ્યું કે મારે બીજી પત્ની લાવવી છે. તું ઘર છોડીને ચાલી જા. જોત્સનાબેને સસરા રાધુસિંહ, સાસુ કેશાબેન, દિયર બાબુસિંહ, દેરાણી ગોરલબેન ઉર્ફે ટીનીબેનને ભેગા કરી વાત કરતાં બધાએ પતિનો પક્ષ લીધો હતો અને જોત્સનાબેનને અપશબ્દો બોલી ઘરને તાળું મારી દેતાં જોત્સનાબેનને આખી રાત ઘરની બહાર સૂઈ રહેવું પડ્યું હતું. અંતે જોત્સનાબેને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત પાંચ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
Read Original Article →