ઈડરમાં મહંત પૂર્ણેશ્વર મહારાજની હત્યાનો ભેદ 6 મહિને ઉકેલાયો:ચોરીના ઈરાદે મહાકાળી મંદિરમાં ઘૂસેલા પાંચ આરોપીઓએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી

Gujarat5/26/2026, 2:06:06 PM
ઈડરમાં મહંત પૂર્ણેશ્વર મહારાજની હત્યાનો ભેદ 6 મહિને ઉકેલાયો:ચોરીના ઈરાદે મહાકાળી મંદિરમાં ઘૂસેલા પાંચ આરોપીઓએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝીંઝવા ગામની સીમમાં આવેલા પ્રખ્યાત પૌરાણિક મહાકાળી મંદિરમાં આશરે આઠ મહિના અગાઉ થયેલી મહંત પૂર્ણેશ્વર મહારાજની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં સાબરકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીના ઈરાદે મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ જાગી ગયેલા મહંત પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આ ચકચારી ઘટનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ હિમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઇ અસારી (રહે. વેજપુર, તા. ભિલોડા, જી. અરવલ્લી) રોહિત જુજારજી વણઝારા (રહે. મુડેટી પાટીયા, તા. ઈડર, જી. સાબરકાંઠા) અંકુર કાંતીભાઇ પાંડવ (રહે. ઝુમસર છાપરા, તા. ભિલોડા, જી. અરવલ્લી) રવિ ઉર્ફે જાની ભરતભાઇ વાઘેલા (રહે. ચિત્રોડા, તા. ઈડર, જી. સાબરકાંઠા) જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઇ અસોડા (રહે. સારણ મલાસા, તા. ભિલોડા, જી. અરવલ્લી). લાખોની લૂંટ ચલાવવાનું પૂર્વયોજિત ગુનાહિત કાવતરું આ સમગ્ર લોહિયાળ ઘટના 27 ઓક્ટોબર, 2025ના રોજ બની હતી. પકડાયેલા શખ્સોએ ઝીંઝવા ગામની સીમમાં આવેલા શ્રદ્ધા કેન્દ્ર સમા મહાકાળી મંદિર અને તેની આસપાસના વિસ્તારની અગાઉથી જ ઝીણવટભરી રેકી કરી હતી. મંદિરમાં આશરે રૂપિયા 20થી 25 લાખની કિંમતના દાગીના તેમજ 10 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હોવાની આશંકાએ આરોપીઓએ લાખોની લૂંટ ચલાવવાનું એક પૂર્વયોજિત ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. જાળી પટકાતાં ભાંડો ફૂટ્યો ઘટનાની રાત્રે આરોપીઓ ચોરી કરવાના પાકા ઈરાદા સાથે મંદિર પરિસરમાં દાખલ થયા હતા. જોકે, તે સમયે અચાનક ફૂંકાયેલા જોરદાર પવન અને વરસાદના કારણે મંદિરની લોખંડની જાળી ધડાકાભેર પટકાઈ હતી. આ અવાજ સાંભળીને મંદિરમાં જ સુતેલા મહંત પૂર્ણેશ્વર મહારાજ અચાનક જાગી ગયા હતા. મહંત પર છરીના ઘા ઝીંક્યા ચોરી કરવા ઘૂસેલા પાંચેય શખ્સો પોતાનો ભાંડો ફૂટી જવાની બીકે અને પકડાઈ જવાની ગભરામણમાં આવી ગયા હતા. તેમણે પોતાનો ગુનો છુપાવવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપીઓએ એકસંપ થઈને પૂજ્ય મહંત પૂર્ણેશ્વર મહારાજ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરી દીધો હતો. ગળા તેમજ શરીરના અન્ય નાજુક ભાગો પર છરીના આડેધડ ઘા ઝીંકી દેવાતા લોહીલુહાણ હાલતમાં મહંતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ માટે SITની રચના કરી હતી મહંત પૂર્ણેશ્વર મહારાજ છેલ્લા લાંબા સમયથી આ પૌરાણિક મહાકાળી મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા-પૂજા કરતા હતા અને ભક્તોમાં તેમની ભારે આસ્થા હતી, જેથી આ આસ્થાના કેન્દ્ર પર થયેલા હુમલાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ તપાસ સમિતિ (SIT) ની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઈડર પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) જેવી વિવિધ એજન્સીઓની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. ટેકનિકલ કડીઓથી ઉકેલાયો ભેદ સાબરકાંઠા પોલીસની ટીમોએ આધુનિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના સચોટ સંકલન દ્વારા કડીઓ મેળવવાનું શરૂ કર્યું હતું. રાત-દિવસની ભારે જહેમત અને સઘન તપાસના અંતે પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલવામાં અને પાંચેય હત્યારાઓને દબોચી લેવામાં સફળ રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →