હિંમતનગર સિવિલમાં ગર્ભવતી માતાનો જીવ બચ્યો:ઝેરી દવા પીધા બાદ વેન્ટિલેટર પર સારવાર, 7 માસનો ગર્ભ ગુમાવ્યો

Gujarat5/26/2026, 9:36:03 AM
હિંમતનગર સિવિલમાં ગર્ભવતી માતાનો જીવ બચ્યો:ઝેરી દવા પીધા બાદ વેન્ટિલેટર પર સારવાર, 7 માસનો ગર્ભ ગુમાવ્યો
બનાસકાંઠાના ચીખલા ગામની એક ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફની સઘન સારવાર બાદ મહિલાનો જીવ બચી ગયો હતો, પરંતુ સાત માસનો ગર્ભ બચાવી શકાયો ન હતો. હાલ મહિલાની તબિયત સ્થિર છે અને તે જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ માહિતી આપી હતી કે, 12 મે, 2026 ના રોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા 21 વર્ષીય જીજાબેન દગાસીયાને ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી હિંમતનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના ચીખલા ગામના વતની જીજાબેનની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જીજાબેનને સાત મહિનાનો ગર્ભ હતો. સિવિલના ડોકટરો, નર્સિંગ ટીમ અને અન્ય સ્ટાફ દ્વારા સતત આઠ દિવસ સુધી તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. આઠ દિવસ બાદ જીજાબેનને વેન્ટિલેટર પરથી ઉતારવામાં આવ્યા અને તેમનો જીવ બચી ગયો. જોકે, દુર્ભાગ્યવશ સાત માસના ગર્ભને બચાવી શકાયો ન હતો. તબીબોએ જીજાબેનને ઝેરી દવા પીવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિએ ફોન ઉપાડ્યો ન હતો, જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે જંતુનાશક દવા પી લીધી હતી. હાલ જીજાબેન જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્વસ્થ છે. હોસ્પિટલ દ્વારા તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.
Read Original Article →