હિંમતનગરમાં ચોમાસાના પાણી નિકાલ માટે પાઇપલાઇન કામગીરી શરૂ:બેરણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી બેરણા રોડ અને સહકારી જીન વિસ્તારમાં શગુન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરશે. ગત ચોમાસામાં શહેરના બેરણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું હતું. આ અંગે નગરપાલિકામાં રજૂઆતો થયા બાદ પાણી નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરાયું હતું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. મંગળવારે હિંમતનગરના બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝથી એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાઇપલાઇન બ્રહ્માકુમારીઝથી હિંમતનગરની કેનાલ સુધી અંદાજે 2.3 કિલોમીટરથી વધુ અંતરમાં નાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1200 x 1400 વ્યાસવાળી, આશરે સાડા આઠ ફૂટ લાંબી 1000થી વધુ પાઇપોનો ઉપયોગ થશે. આ કામગીરી અંદાજે ત્રણ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બેરણા રોડ અને સહકારી જીન વિસ્તારમાં શગુન સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે રૂપિયા 6.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં બેરણા રોડ પર કામ શરૂ થયું છે, ત્યારબાદ સહકારી જીન વિસ્તારમાં કામગીરી હાથ ધરાશે. આ પાઇપલાઇન કાર્યરત થવાથી ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને સ્થાનિકોને રાહત મળશે.
Read Original Article →