કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર

Gujarat4/6/2026, 7:47:07 AM
કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા છે. હિંમતનગર-વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. 1. કૃષ્ણનગર પાટિયા પાસે સ્કોર્પિયોની ટક્કરે ખેડૂતનું મોત હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર સોમવારે (6 એપ્રિલે) સવારે એક કાળમુખી સ્કોર્પિયો કારે ટ્રેક્ટર-ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે, ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં જઇને પડ્યુ હતું. અકસ્માત બાદ ટ્રેક્ટરચાલક ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. આશરે 40, રહે મોર ડુંગરા તા.હિંમતનગર) ટાયર નીચે દબાઈ ગયા હતા. હિંમતનગર ફાયર વિભાગના ઓફિસર મયંક પટેલે જણાવ્યું કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટની જહેમત બાદ ટાયર નીચે દબાયેલા ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં ખેડૂતનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. હિંમતનગર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. રણાસણ ત્રણ રસ્તા પાસે આઈશર-બાઈક અકસ્માત: એક યુવાનનું મોત બીજી ઘટના હિંમતનગરના ગાંભોઈ નજીક રણાસણ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી. શામળાજી તરફથી આવતી એક આઈશર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઈકને અડફેટે લીધું હતું. બાઈક પર સવાર ત્રણેય યુવાન હિંમતનગરના વાટડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં નીતીનસિંહ રંગુસિંહ પરમાર (ઉં.વ. 35)નું મોત નિપજ્યું હતું. જ્યારે નારણસિંહ વજેસિંહ પરમાર (ઉં.વ. 36)ને ગંભીર ઈજા અને દલપત પરમાર (ઉં.વ. 37)ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ટ્રક કબજે લીધી છે અને ઘાયલોને સારવાર અર્થે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 3.વિરાવાડા પાસે બેફામ ટ્રકે કારનો કચ્ચરઘાણ વાળ્યો, પરિવારનો બચાવ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર રવિવારે રાત્રે 1:40 વાગ્યાની આસપાસ એક ચમત્કારિક ઘટના બની હતી. અમદાવાદના નરેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે વેરના કાર લઈને ઉદેપુર જઈ રહ્યા હતા. વિરાવાડા પાસે આવેલી હોટલ સર્વોત્તમ પાસે પરિવારે કાર પાર્ક કરી અને જમવા માટે હોટલમાં ગયા. આના ગણતરીની મિનિટોમાં જ એક બેફામ દોડતી ટ્રકે રોડ સાઈડનો વીજ થાંભલો તોડીને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો પરિવાર કારની અંદર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ પરિવાર હોટલમાં હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. ગાંભોઈ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં વધતા જતાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને હાઈવે પર ઓવરસ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. --- આ પણ વાંચો પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત સુદામાપુરી પોરબંદરમાં આજે (6 એપ્રિલે) વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →