હિંમતનગરમાં કરંટ લાગતા વેપારીનું મોત:બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગીઝરના વાયરથી લાગ્યો આંચકો

Gujarat4/9/2026, 10:11:38 AM
હિંમતનગરમાં કરંટ લાગતા વેપારીનું મોત:બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગીઝરના વાયરથી લાગ્યો આંચકો
હિંમતનગરમાં નવાબજાર વિસ્તારમાં કરિયાણાના વેપારી રાકેશકુમાર રમેશચંદ્ર મોદીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના આજે સવારે તેમના ઘરના બાથરૂમમાં સ્નાન કરતી વખતે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રાકેશકુમારની દુકાન નીચે અને રહેઠાણ ઉપરના માળે આવેલું છે. આજે સવારે જ્યારે દુકાનમાં કામ કરતો દિલાવર આવ્યો ત્યારે દુકાન બંધ હતી. તેણે રાકેશભાઈને ફોન કર્યો, પરંતુ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ તેણે રાકેશભાઈના સસરાને જાણ કરી હતી. રાકેશભાઈના સસરાએ આવીને તપાસ કરતા રાકેશકુમાર બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનોને જાણ થતાં તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘટનાની જાણ હિંમતનગર બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા રાકેશકુમાર બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન ગીઝરનો વાયર નીકળેલો જણાયો હતો, જેના કારણે કરંટ લાગવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન PI એ.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નવાબજારના કરિયાણાના દુકાનદાર રાકેશભાઈ મોદીને દુકાન ઉપરના ઘરમાં સ્નાન કરતી વખતે કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →